<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

IPL 2026 : હૈદરાબાદના હોમગ્રાઉન્ડ પર અભિષેક શર્માનું તોફાન : દિલ્હી કેપિટલ્સને ૪૭ રને હરાવી સનરાઈઝર્સે નોંધાવી શાનદાર જીત

અભિષેક શર્માના અણનમ ૧૩૫ રન અને ઈશાન મલિંગાની ચાર વિકેટની ધારદાર બોલિંગ સામે દિલ્હીના બેટર્સ નતમસ્તક : ૨૪૨ રનના વિશાળ સ્કોર સામે અક્ષર પટેલની સેના ૧૯૫ રનમાં ઓલઆઉટ

હૈદરાબાદ: આઈપીએલ ૨૦૨૬માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના ઘરેલું મેદાન પર દિલ્હી કેપિટલ્સને ૪૭ રને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. હૈદરાબાદની આ જીતના ખરા હીરો ઓપનર બેટર અભિષેક શર્મા રહ્યા હતા, જેમણે સદી ફટકારીને દિલ્હીના બોલરોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. બીજી તરફ બોલિંગમાં ઈશાન મલિંગાએ પાયમાલી સર્જીને દિલ્હીને લક્ષ્ય સુધી પહોંચવા દીધું નહોતું.

 

અભિષેક શર્માની વિસ્ફોટક સદી અને હૈદરાબાદનો જંગી સ્કોર:

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં માત્ર ૨ વિકેટ ગુમાવીને ૨૪૨ રનનો ડુંગર ખડકી દીધો હતો. અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતા ૬૮ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧૦ ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ ૧૩૫ રનની યાદગાર ઇનિંગ રમી હતી. અભિષેકે ટ્રેવિસ હેડ (૩૭) સાથે ૯૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ ઈશાન કિશને ૧૩ રન અને અંતમાં હેનરિક ક્લાસેને માત્ર ૧૩ બોલમાં ૩૭ રન ફટકારીને સ્કોર ૨૪૦ને પાર પહોંચાડ્યો હતો. દિલ્હીના બોલરો અત્યંત મોંઘા સાબિત થયા હતા, જેમાં નીતિશ રાણાએ ૪ ઓવરમાં ૫૫ રન લૂંટાવ્યા હતા.

 

મલિંગાની બોલિંગ સામે દિલ્હીના બેટર્સ ફ્લોપ:

૨૪૩ રનના તોતિંગ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પાથુમ નિસાંકા માત્ર ૮ રને આઉટ થયો હતો. નીતિશ રાણાએ ૩૦ બોલમાં ૫૭ રન અને કેએલ રાહુલે ૩૭ રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈશાન મલિંગાએ એક જ ઓવરમાં રાણા અને ડેવિડ મિલરને આઉટ કરીને દિલ્હીની કમર તોડી નાખી હતી. મલિંગાએ ૪ ઓવરમાં ૩૨ રન આપીને ૪ મહત્વની વિકેટ ઝડપી હતી.

 

રન રેટના દબાણમાં દિલ્હીની ટીમ ઢેર:

મધ્યક્રમમાં ટ્રિસ્ટન સ્ટબ્સ (૨૭) અને સમીર રિઝવી (૪૧) એ રન બનાવ્યા હતા, પરંતુ વધતા જતા રન રેટના દબાણ સામે તેઓ લાંબુ ટકી શક્યા નહોતા. અંતિમ ઓવરોમાં હર્ષ દુબેએ શાનદાર બોલિંગ કરતા કેપ્ટન અક્ષર પટેલ (૨) અને લુંગી એન્ગીડીને આઉટ કરીને દિલ્હીની ઇનિંગ ૧૯૫ રનમાં સમેટી લીધી હતી. દિલ્હીએ તેના ક્વોટાની પૂરેપૂરી ૨૦ ઓવર રમી હતી પરંતુ તે લક્ષ્યથી ઘણું દૂર રહી ગયું હતું. આ જીત સાથે હૈદરાબાદના ૭ મેચમાં ૪ જીત સાથે ૮ પોઈન્ટ થયા છે અને તે પ્લેઓફની રેસમાં મજબૂત બન્યું છે.

(11:43 PM IST)