<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

IPL 2026 : વાનખેડેમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભવ્ય વિજય : મુંબઈ ઇન્ડિયન્સને ૧૦૩ રનના જંગી અંતરથી કચડી નાખતું ચેન્નાઈ

સંજુ સેમસનની આ સીઝનની બીજી ધમાકેદાર સદી બાદ અકીલ હુસૈને બોલિંગમાં મચાવ્યો કહેર : આઈપીએલની સૌથી મોટી રાઈવલરીમાં ચેન્નાઈની ઓલરાઉન્ડ રમત સામે હાર્દિક પંડ્યાની પલટન વામણી સાબિત થઈ

મુંબઈ:આઈપીએલ ૨૦૨૬ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને તેના જ ઘર આંગણે વાનખેડે સ્ટેડિયમ ખાતે ૧૦૩ રનના વિશાળ અંતરથી પરાજય આપીને એકતરફી વિજય મેળવ્યો છે. આઈપીએલ ઇતિહાસની સૌથી મોટી પ્રતિસ્પર્ધી ગણાતી આ બે ટીમો વચ્ચેના જંગમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગમાં પહાડ જેવો સ્કોર ઉભો કર્યા બાદ શિસ્તબદ્ધ બોલિંગના જોરે મુંબઈની આખી ટીમને વેરવિખેર કરી દીધી હતી. આ જીત સાથે ચેન્નાઈએ ટૂર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત કર્યું છે.

 

સંજુ સેમસનની તોફાની સદી:

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૦૭ રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. ચેન્નાઈની ઇનિંગનો મુખ્ય આધારસ્તંભ સંજુ સેમસન રહ્યો હતો. સેમસને માત્ર ૫૪ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૬ ગગનચુંબી છગ્ગાની મદદથી ૧૦૧ રનની અણનમ ઇનિંગ રમી હતી. આ આઈપીએલ ૨૦૨૬માં સેમસનની બીજી સદી છે. તેને ઓપનર રુતુરાજ ગાયકવાડ (૨૨ રન), ડેવાલ્ડ બ્રેવિસ (૨૧ રન) અને જેમી ઓવરટન (૧૫ રન) તરફથી ઉપયોગી સાથ મળ્યો હતો, જેના કારણે ટીમ ૨૦૦ રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી.

 

મુંબઈનો બેટિંગ ઓર્ડર ધરાશાયી:

૨૦૮ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત અત્યંત નબળી રહી હતી. ટીમનો કોઈ પણ બેટ્સમેન લાંબી ભાગીદારી નોંધાવી શક્યો ન હતો. સૂર્યકુમાર યાદવ (૩૬ રન) અને તિલક વર્મા (૩૭ રન) એ વચ્ચેના ગાળામાં સંઘર્ષ કરીને ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચેન્નાઈના બોલરો સામે મુંબઈના બેટ્સમેનો નિયમિત અંતરે પોતાની વિકેટો ગુમાવતા રહ્યા હતા. રન રેટના વધતા દબાણ અને શરૂઆતી આંચકાઓમાંથી મુંબઈની ટીમ ક્યારેય બહાર આવી શકી ન હતી.

 

અકીલ હુસૈનની કાતિલ બોલિંગ:

ચેન્નાઈની જીતમાં બોલરોનો ફાળો પણ મહત્વનો રહ્યો હતો. સ્પિનર અકીલ હુસૈને પોતાની ૪ ઓવરના સ્પેલમાં માત્ર ૧૭ રન આપીને મુંબઈની ૪ મહત્વની વિકેટો ઝડપી હતી. ખાસ કરીને સૂર્યકુમાર યાદવની વિકેટ આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. અકીલની બોલિંગ સામે મુંબઈના માંધાતા બેટ્સમેનો લાચાર જણાયા હતા. તેને નૂર અહેમદ (૨ વિકેટ) અને મુકેશ ચૌધરી તરફથી સચોટ સહકાર મળ્યો હતો. સમગ્ર મેચ દરમિયાન ચેન્નાઈનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. આ કારમી હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સ માટે હવે પ્લે-ઓફની રાહે પડકારો વધ્યા છે, જ્યારે ચેન્નાઈ આ પ્રચંડ આત્મવિશ્વાસ સાથે ટૂર્નામેન્ટમાં આગળ વધશે.

(11:32 PM IST)