તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 17th May 2026
IPL ૨૦૨૬ : દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને ૫ વિકેટે હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની આશાઓ જીવંત રાખી
અરુણ જેટલી સ્ટેડિયમ પર રાજસ્થાનના ૧૯૪ રનના લક્ષ્યાંકને દિલ્હીએ ૪ બોલ બાકી રહેતા વટાવ્યો : મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ અને કેએલ રાહુલ તેમજ અભિષેક પોરેલની અર્ધસદીથી રોયલ્સનો પરાજય

નવી દિલ્હી : આઈપીએલ ૨૦૨૬ ની ૧૯મી સીઝનના ૬૨મા રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે અદભુત પ્રદર્શન કરીને રાજસ્થાન રોયલ્સને ૫ વિકેટે પરાજય આપ્યો છે. રવિવારે રમાયેલી આ નિર્ણાયક મેચમાં જીત મેળવીને અક્ષર પટેલના નેતૃત્વ હેઠળની દિલ્હી કેપિટલ્સે ટૂર્નામેન્ટમાં પ્લેઓફની રેસમાં ખુદને મજબૂતાઈથી બરકરાર રાખી છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના મજબૂત લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીની ટીમે ૧૯.૨ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૯૭ રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. ચાલુ સીઝનમાં દિલ્હીની આ છઠ્ઠી જીત છે, જ્યારે રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સની આ છઠ્ઠી હાર છે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી નહોતી. ઓપનર યશસ્વી જયસ્વાલ ૯ બોલમાં ૧૨ રન બનાવીને લુંગી એનગિડીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ૨૧ બોલમાં ૪૬ રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેને માધવ તિવારીએ આઉટ કર્યો હતો. કેપ્ટન રિયાન પરાગે ૨૬ બોલમાં ૫૧ રન અને ધ્રુવ જુરેલે સૌથી વધુ ૫૩ રનની અર્ધસદી ફટકારી હતી. એક સમયે ૧૪ ઓવરમાં રાજસ્થાનનો સ્કોર ૨ વિકેટે ૧૬૦ રન હતો અને ટીમ ૨૩૦ સુધી પહોંચશે તેવું લાગતું હતું, પરંતુ અંતિમ ૬ ઓવરમાં દિલ્હીના બોલરોએ વળતો પ્રહાર કર્યો હતો. દિલ્હી તરફથી મિચેલ સ્ટાર્કે શાનદાર બોલિંગ કરતા ૨૭ રન બનાવનાર રિયાન પરાગ, ડોનોવન ફરેરા, રવિ સિંહ અને દાસુન શનાકા (૧૦ રન) ને આઉટ કરીને ૪ વિકેટ ઝડપી હતી. લુંગી એનગિડી અને માધવ તિવારીએ ૨-૨ વિકેટ લેતા રાજસ્થાને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩ રન બનાવ્યા હતા.
૧૯૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે પાવરપ્લેમાં મજબૂત અને સકારાત્મક શરૂઆત કરી હતી. ઓપનર અભિષેક પોરેલે શાનદાર બેટિંગ કરતા ૩૧ બોલમાં ૫૧ રનની અર્ધસદી ફટકારીને પાયો મજબૂત કર્યો હતો, જ્યારે સાહિલ પારખ ૮ બોલમાં ૯ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે જવાબદારીપૂર્વક રમીને ૪૨ બોલમાં ૫૬ રનની મહત્વપૂર્ણ અર્ધસદીની ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર અને કેપ્ટન અક્ષર પટેલે વહાવટ પૂર્વક બેટિંગ કરીને ટીમને ૪ બોલ બાકી રહેતા જ વિજય અપાવ્યો હતો. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, એડમ મિલ્ને, બ્રિજેશ શર્મા અને યશરાજ પુંજાએ બોલિંગમાં પ્રતિકાર કર્યો હતો પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતો નહોતો.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સ તરફથી ત્રિપુરાના વિજયે પોતાનું આઈપીએલ ડેબ્યુ (પદાર્પણ) કર્યું હતું, જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી રવિ સિંહે પ્રથમ મેચ રમી હતી. રાજસ્થાનના નિયમિત ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને વર્કલોડ મેનેજમેન્ટના કારણે આ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને રવિ સિંહનો ટીમમાં સમાવેશ કરાયો હતો. આ જીત બાદ દિલ્હી કેપિટલ્સના ૧૩ મેચોમાં ૧૨ પોઈન્ટ થયા છે અને જો ટીમ પોતાની અંતિમ મેચ જીતશે તો તેના ૧૪ પોઈન્ટ થશે, જેથી તેણે પ્લેઓફ માટે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ પાસે હજુ ૩ મેચ બાકી છે અને તેના ૧૨ પોઈન્ટ છે, જેથી પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે રિયાન પરાગની બ્રિગેડે આગામી તમામ મેચો જીતવી અનિવાર્ય બની ગઈ છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
