<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

IPL 2026 : જયપુરમાં દિલ્હી કેપિટલ્સનો ઐતિહાસિક વિજય : રાજસ્થાન રોયલ્સના ગઢમાં ૨૨૬ રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડીને ૭ વિકેટે મેળવી જીત

આઈપીએલ ઈતિહાસમાં દિલ્હીએ સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરીને રચ્યો નવો રેકોર્ડ : કેએલ રાહુલ અને પથુમ નિસાંકાની સદીની ભાગીદારી સામે રિયાન પરાગની ૯૦ રનની કેપ્ટન્સી ઈનિંગ એળે ગઈ

જયપુર: આઈપીએલ ૨૦૨૬ના ૪૩માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ દ્વારા અવિશ્વસનીય પ્રદર્શન કરવામાં આવ્યું છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી હાઈ-સ્કોરિંગ મેચમાં દિલ્હીએ રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે પરાજય આપ્યો છે. રાજસ્થાન દ્વારા આપવામાં આવેલા ૨૨૬ રનના પહાડી લક્ષ્યાંકને દિલ્હીએ ૫ બોલ બાકી રહેતા વટાવી લીધો હતો. આ જીત દિલ્હી કેપિટલ્સના ઈતિહાસમાં રન ચેઝ કરતી વખતે મેળવેલી સૌથી મોટી જીત સાબિત થઈ છે. અગાઉ ૨૦૨૫માં આ ટીમે લખનઉ સામે ૨૧૦ રનનો ટાર્ગેટ પાર પાડ્યો હતો.

 

રાજસ્થાન રોયલ્સનો દમદાર સ્કોર:

મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટીમની શરૂઆત નબળી રહી હતી. યશસ્વી જાયસ્વાલ માત્ર ૬ રન બનાવી મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો, જ્યારે વૈભવ સૂર્યવંશી પણ ૪ રન બનાવી આઉટ થયો હતો. આ મુશ્કેલ સ્થિતિમાં ધ્રુવ જુરેલ (૪૨ રન) અને રિયાન પરાગે બાજી સંભાળી હતી. પરાગે ૫૦ બોલમાં ૯૦ રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે સદી ચૂકી ગયો હતો. અંતિમ ઓવરોમાં ડોનોવન ફરેરાએ તોફાની બેટિંગ કરતા માત્ર ૧૪ બોલમાં ૬ છગ્ગા અને ૨ ચોગ્ગાની મદદથી અણનમ ૪૭ રન ફટકાર્યા હતા. રાજસ્થાને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૨૫ રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સ્ટાર્કે ૩, જ્યારે જેમીસન, નટરાજન અને અક્ષર પટેલે ૧-૧ વિકેટ લીધી હતી.

 

દિલ્હીની રેકોર્ડબ્રેક બેટિંગ:

૨૨૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ જોડીએ મેદાન ગજવ્યું હતું. પથુમ નિસાંકા (૬૨ રન) અને કેએલ રાહુલે પ્રથમ વિકેટ માટે ૧૧૦ રનની ભાગીદારી કરીને પાયો મજબૂત કર્યો હતો. ત્યારબાદ નીતીશ રાણાએ ૧૪ બોલમાં ૩૩ રન અને કેએલ રાહુલે ૪૦ બોલમાં ૭૫ રન બનાવી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. અંતમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને આશુતોષ શર્માએ બાકીનું કામ પૂરું કરીને ૧૯.૧ ઓવરમાં જ ૩ વિકેટ ગુમાવી ૨૨૬ રન બનાવી લીધા હતા. રાજસ્થાનના બોલરો આ રન મશીનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

 

કાળી પટ્ટી પહેરીને રમ્યા દિલ્હીના ખેલાડીઓ:

મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ પોતાના બાવડા પર કાળી પટ્ટી પહેરેલી જોવા મળી હતી, જે ભાવુક કરી દે તેવા કારણોસર પહેરવામાં આવી હતી. આ જીત સાથે દિલ્હીની ટીમ ફરીથી વિજય પથ પર પરત ફરી છે અને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. બીજી તરફ, હૈદરાબાદની ટીમમાં ઈજાગ્રસ્ત શિવમ માવીની જગ્યાએ વૈભવ સૂર્યવંશીના મિત્રની એન્ટ્રીના સમાચાર પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. દિલ્હીના બેટ્સમેનોએ જે રીતે ૨૨૬ રનનો પીછો કર્યો તેણે આઈપીએલના ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યું છે.

(11:47 PM IST)