<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

IPL 2026 ફાઈનલનો જંગ: અમદાવાદમાં ખેલાશે મહાસંગ્રામ, RCBના કેપ્ટન રજત પાટીદારનો હુંકાર, કહ્યું- 'ટ્રોફી ઉઠાવવા અમે સંપૂર્ણ તૈયાર'

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCB અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર, ફાઈનલ પહેલા કેપ્ટન રજત પાટીદારે બોલિંગ યુનિટની તાકાતને ગણાવી વિજયની ચાવી

અમદાવાદ : IPL 2026ની ફાઈનલનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે રમાનારી રોમાંચક ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા RCBના કેપ્ટન રજત પાટીદારે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ટીમના મનસૂબા સ્પષ્ટ કરી દીધા છે. પાટીદારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની ટીમ ટાઈટલ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ખેલાડીઓમાં એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.

બોલિંગ આક્રમણ જ અપાવશે વિજય

પાટીદારે આધુનિક ક્રિકેટની રણનીતિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "આજકાલ ૨૦૦થી વધુ રન બનાવવા સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ મહત્વનું એ છે કે તમે તે સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કેવી રીતે કરો છો. ફાઈનલ જીતવા માટે અમારું બોલિંગ આક્રમણ નિર્ણાયક ભૂમિકા ભજવશે." તેમણે ભુવનેશ્વર કુમારની અનુભવી બોલિંગની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે ભુવીની મેચ પ્રત્યેની સમજ અને ચોક્કસ યોજના ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.

સામૂહિક પ્રદર્શન પર પાટીદારનો ભરોસો

કેપ્ટને સ્પષ્ટ કર્યું હતું કે ટીમ માત્ર ભુવનેશ્વર કુમાર કે જોશ હેઝલવુડ જેવા સ્ટાર બોલરો પર નિર્ભર નથી. રસિક સલામ સહિતના અન્ય બોલરોના યોગદાનને પણ તેમણે ખાસ મહત્વ આપ્યું હતું. પાટીદારના મતે, RCBનું ફાઈનલ સુધીનું સફર કોઈપણ વ્યક્તિગત પ્રદર્શન નહીં, પરંતુ આખી બોલિંગ ટીમના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. ટીમમાં રહેલી આ એકતા જ આવતીકાલની ફાઈનલમાં તેમની સૌથી મોટી તાકાત બની રહેશે.

ફિલ સોલ્ટની ફિટનેસ પર સસ્પેન્સ

ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ફિલ સોલ્ટની ફિટનેસ અંગે કેપ્ટને અપડેટ આપતા જણાવ્યું હતું કે, સોલ્ટ અત્યારે નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે, પરંતુ તે ફાઈનલ રમશે કે કેમ તે અંગેનો અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ અને મેડિકલ સ્ટાફની સલાહ બાદ જ લેવામાં આવશે. ફાઈનલ જેવી મોટી મેચમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવા ટીમ ઈચ્છતી નથી. અમદાવાદના દર્શકો આ મહાસંગ્રામ જોવા માટે ઉત્સુક છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાટીદારની સેના ગુજરાત ટાઈટન્સના ગઢમાં આવીને ઈતિહાસ રચી શકે છે કે નહીં.

(11:58 PM IST)