News of Sunday, 3rd May 2026
IPL 2026 : અડધી સીઝન બાદ સુપર ફ્લોપ સાબિત થયા દિગ્ગજ કપ્તાનો : હાર્દિક પંડ્યા અને અજિંક્ય રહાણે સહિતના સ્ટાર્સનું કંગાળ પ્રદર્શન
કોલકાતા નાઈટ રાઈડર્સના અજિંક્ય રહાણેની કપ્તાની છીનવાય તેવી સંભાવના : 27 કરોડના ઋષભ પંત અને અક્ષર પટેલ પણ બેટ-બોલથી નિષ્ફળ રહેતા પોઈન્ટ્સ ટેબલમાં ટીમો પછડાઈ

નવી દિલ્હી: IPL 2026 હવે લીગ સ્ટેજની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે ત્યારે તમામ 10 ટીમોના કપ્તાનોના પ્રદર્શનનો રિપોર્ટ કાર્ડ સામે આવ્યો છે. આ સીઝનમાં જ્યાં શ્રેયસ અય્યર અને રજત પાટીદાર જેવા કપ્તાનોએ ધમાકેદાર દેખાવ કર્યો છે, ત્યાં બીજી તરફ હાર્દિક પંડ્યા, અજિંક્ય રહાણે અને ઋષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓ કપ્તાન તરીકે અને વ્યક્તિગત ખેલાડી તરીકે પણ ફ્લોપ સાબિત થયા છે.
શ્રેયસ અય્યર અને રજત પાટીદારનો દબદબો:
પંજાબ કિંગ્સના કપ્તાન શ્રેયસ અય્યરે આ સીઝનમાં શાનદાર નેતૃત્વ કર્યું છે. તેમની ટીમે 8 માંથી 7 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અય્યરે પોતે પણ 309 રન બનાવી 4 અર્ધશતક ફટકાર્યા છે. તેવી જ રીતે RCB ના કપ્તાન રજત પાટીદારે 200 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી મિડલ ઓર્ડરમાં તરખાટ મચાવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઈશાન કિશને 312 રન સાથે શાનદાર શરૂઆત અપાવી છે, જ્યારે પેટ કમિન્સે કપ્તાની સંભાળતા જ ટીમમાં પ્રાણ ફૂંક્યા છે. ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલે પણ 373 રન સાથે સાતત્ય જાળવી રાખ્યું છે.
રહાણે અને હાર્દિક પંડ્યાના પ્રદર્શન પર ઉઠ્યા સવાલો:
સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન કોલકાતા નાઈટ રાઈડર્સના કપ્તાન અજિંક્ય રહાણેનું રહ્યું છે. રહાણેની આગેવાનીમાં ટીમ શરૂઆતની સતત 6 મેચ હારી હતી. રહાણેનો બેટિંગ એવરેજ પણ ઘણો નીચો રહ્યો છે, જેના કારણે એવી અટકળો તેજ થઈ છે કે KKR તેમની પાસેથી કપ્તાની છીનવી શકે છે.
બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સના હાર્દિક પંડ્યા માટે પણ આ સીઝન દુઃસ્વપ્ન સમાન રહી છે. ટી-20 વર્લ્ડ કપ જીતાડનાર હાર્દિક 8 મેચમાં માત્ર 146 રન જ કરી શક્યો છે અને બોલિંગમાં માત્ર 4 વિકેટ ઝડપી છે. તેની કપ્તાનીમાં પણ તે ધાર જોવા મળી નથી જેની અપેક્ષા રાખવામાં આવતી હતી.
કરોડોના ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન:
દિલ્હી કેપિટલ્સના કપ્તાન અક્ષર પટેલ બેટ અને બોલ બંનેથી નિષ્ફળ રહ્યા છે, પરિણામે તેમની ટીમ 7મા સ્થાને પછડાઈ છે. સૌથી વધુ ચર્ચા 27 કરોડમાં રિટેન થયેલા લખનૌ સુપર જાયન્ટ્સના કપ્તાન ઋષભ પંતની થઈ રહી છે. પંત આ સીઝનમાં અત્યાર સુધી માત્ર 189 રન જ બનાવી શક્યો છે અને તેની ટીમ ટેબલમાં સૌથી છેલ્લે 10મા ક્રમે છે. રાજસ્થાનના રિયાન પરાગ અને ચેન્નાઈના ઋતુરાજ ગાયકવાડનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે, જોકે ગાયકવાડે મુંબઈ સામે 74 રનની અણનમ ઈનિંગ રમીને લય પાછી મેળવવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ ફ્લોપ કપ્તાનો સીઝનના અંતમાં પોતાની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડી શકે છે કે કેમ.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
