તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 12th May 2026
IPL 2026 : ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદના ભુક્કા બોલાવી દીધા : હૈદરાબાદની ટીમને સૌથી ઓછા સ્કોર પર સમેટી ભવ્ય વિજય મેળવ્યો
શુભમન બ્રિગેડે હૈદરાબાદને 82 રને પરાજય આપી પોઈન્ટ ટેબલમાં બાદશાહત મેળવી : સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરની અડધી સદી બાદ બોલરોએ મેદાન માર્યું

અમદાવાદ:આઈપીએલ 2026ની 56મી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સે પ્રભાવશાળી પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 167 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ માત્ર 14.5 ઓવરમાં 86 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે ટુર્નામેન્ટમાં જીતનો પંજો લગાવ્યો છે અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની શરૂઆત નબળી રહી હતી, જેમાં કેપ્ટન શુભમન ગિલ માત્ર 5 રન બનાવી પ્રફુલ્લ હિંગેની ઓવરમાં આઉટ થયો હતો. જોસ બટલર પણ 7 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. પાવરપ્લેમાં ટીમનો સ્કોર 2 વિકેટે 34 રન હતો. ત્યારબાદ ઓપનર સાઈ સુદર્શને બાજી સંભાળી હતી અને 44 બોલમાં 5 ચોગ્ગા તેમજ 2 છગ્ગાની મદદથી 61 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેને વોશિંગ્ટન સુંદરનો પૂરો સાથ મળ્યો હતો, જેણે 33 બોલમાં 50 રન ફટકાર્યા હતા. નિશાંત સિંધુએ પણ 11 રનનું યોગદાન આપ્યું હતું.
168 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવરમાં જ ટ્રેવિસ હેડને શૂન્ય રને આઉટ કર્યો હતો. કગિસો રબાડાએ આક્રમક બોલિંગ કરતા અભિષેક શર્મા (6), ઈશાન કિશન (11) અને સ્મરણ રવિચંદ્રન (9)ની વિકેટો ઝડપી હૈદરાબાદની કમર તોડી નાખી હતી. હૈદરાબાદે પાવરપ્લેમાં માત્ર 34 રન જોડીને 6 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ સલિલ અરોરાને 16 રને આઉટ કરીને સફળતા મેળવી હતી.
જેસન હોલ્ડરે મધ્યક્રમમાં ઘાતક બોલિંગ કરતા હેનરિક ક્લાસેન (14), નીતીશ કુમાર રેડ્ડી (2) અને શિવાંગ કુમાર (4)ને પેવેલિયન ભેગા કર્યા હતા. અંતિમ વિકેટ તરીકે પ્રફુલ્લ હિંગેને રાશિદ ખાને આઉટ કરીને ગુજરાતની જીત પર મહોર મારી હતી. હૈદરાબાદ તરફથી કોઈ પણ બેટર લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો અને ટીમ માત્ર 86 રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. ગુજરાત તરફથી રબાડા, સિરાજ અને હોલ્ડરે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું.
આ વિજય સાથે ગુજરાત ટાઇટન્સના 11 મેચમાં 14 પોઈન્ટ્સ થયા છે અને તેઓ ટેબલમાં ટોચ પર પહોંચી ગયા છે. હૈદરાબાદની ટીમ પાસે પણ 14 પોઈન્ટ્સ છે, પરંતુ નેટ રનરેટના કારણે તેઓ બીજા સ્થાને સરકી ગયા છે. ગુજરાતની આ સતત પાંચમી જીત છે. આ મેચમાં જેસન હોલ્ડર 11 રન અને રાહુલ તેવટિયા 4 રન બનાવી અણનમ રહ્યા હતા. હૈદરાબાદના બોલરોમાં સાકિબ હુસૈને બે અને પ્રફુલ્લ હિંગે તેમજ પેટ કમિન્સે વિકેટો ઝડપી હતી.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
