<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

IPL 2026 : મુંબઈ ઈન્ડિયન્સનો 6 વિકેટે ભવ્ય વિજય : લખનૌ સુપર જાયન્ટ્સ સામે 229 રનનો અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો

રોહિત શર્મા અને રયાન રિકેલ્ટનની વિસ્ફોટક બેટિંગથી મુંબઈની પ્લેઓફની આશા જીવંત : લખનૌની સતત છઠ્ઠી હાર સાથે મુશ્કેલી વધી : પૂરીનની તોફાની ફિફ્ટી એળે ગઈ

મુંબઈ: આઈપીએલ 2026ની 47મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઐતિહાસિક પ્રદર્શન કરતા છ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. સોમવારે રમાયેલા આ ‘કરો અથવા મરો’ સમાન મુકાબલામાં મુંબઈએ આઈપીએલ ઈતિહાસમાં પોતાનો સૌથી મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરીને વિજયી વાપસી કરી છે. આ હાર સાથે લખનૌ સુપર જાયન્ટ્સે ‘હારનો સિક્સર’ લગાવ્યો છે, જે તેમના પ્લેઓફના સમીકરણો માટે જોખમી સાબિત થઈ શકે છે.

ઓપનિંગ જોડીની 143 રનની ધમાકેદાર ભાગીદારી

229 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત શાનદાર રહી હતી. રયાન રિકેલ્ટન અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે માત્ર 11 ઓવરમાં 143 રન જોડીને લખનૌના બોલરોને બેકફૂટ પર લાવી દીધા હતા. રિકેલ્ટન માત્ર 32 બોલમાં 8 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 83 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ પણ આક્રમક અંદાજમાં 44 બોલમાં 84 રન ફટકાર્યા હતા, જેમાં 7 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. બંને બેટ્સમેનો સદી ચૂકી ગયા હોવા છતાં મુંબઈ માટે જીતનો પાયો નાખી દીધો હતો. અંતે વિલ જેક્સે છગ્ગો ફટકારી 18.4 ઓવરમાં મુંબઈને જીત અપાવી હતી.

લખનૌનો વિશાળ સ્કોર પણ જીત માટે ઓછો પડ્યો

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 228 રનનો ડુંગર ખડક્યો હતો. નિકોલસ પૂરીને માત્ર 21 બોલમાં 8 છગ્ગાની મદદથી 63 રનની તોફાની ઈનિંગ રમી હતી. મિચેલ માર્શે 44 રન અને અંતિમ ઓવરોમાં એડન માર્કરામ (31 અણનમ) તથા હિંમત સિંહે (40 રન) ઉપયોગી યોગદાન આપ્યું હતું. જોકે, મુંબઈના બોલરોએ અંતિમ ત્રણ ઓવરમાં માત્ર 22 રન આપીને લખનૌને 250 સુધી પહોંચતા અટકાવ્યું હતું.

પ્લેઓફની રેસમાં મુંબઈ જીવંત

આ જીત સાથે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 10 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી છે અને તેની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે. બીજી તરફ, લખનૌની ટીમ 9 મેચમાં 7મી હાર બાદ મુશ્કેલીમાં મુકાઈ છે. મુંબઈ તરફથી અલ્લાહ ગજનફર, કોર્બિન બોશ અને વિલ જેક્સે મહત્વની વિકેટો ઝડપી હતી, જ્યારે લખનૌ તરફથી મણિમારન સિદ્ધાર્થે બે વિકેટ ઝડપી હતી.

(11:30 PM IST)