News of Wednesday, 6th May 2026
IPL -2026 પ્લેઓફના સમીકરણો બદલાયા:દિલ્હી માટે આગળનો રસ્તો કઠિન જાણો પોઇન્ટ ટેબલની સ્થિતિ
ચેન્નાઈએ સીઝનની 5મી જીત નોંધાવીને પ્લેઓફની રેસમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 19 મી સીઝન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી રોમાંચક ટક્કર બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ ટીમોના પ્લેઓફના સમીકરણો ચોક્કસપણે બદલાયા છે. આ મેચ બાદ બંને ટીમો પોતાના અગાઉના સ્થાને યથાવત છે, છતાં દિલ્હી માટે આગળનો રસ્તો ઘણો કઠિન બની ગયો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની હાર દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો સાબિત થઈ છે. દિલ્હીની આ સીઝનની છઠ્ઠી હાર છે, જેના કારણે તેમની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ ધૂંધળી થઈ છે. હવે જો દિલ્હીએ 16 પોઈન્ટના મેજિક ફિગર સુધી પહોંચવું હોય, તો તેમણે તેમની બાકી રહેલી તમામ 4 મેચો ફરજિયાત જીતવી પડશે. બીજી તરફ, ચેન્નાઈએ સીઝનની 5મી જીત નોંધાવીને પ્લેઓફની રેસમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.
છેલ્લી બે મેચોમાં સતત હારનો સામનો કરવા છતાં પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને બિરાજમાન છે. પંજાબે તેમની શરૂઆતની 7 મેચોમાંથી 6માં વિજય મેળવ્યો હતો, જેનો ફાયદો તેમને અત્યારે મળી રહ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB): 9 મેચમાંથી 6 જીત અને 12 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. શ્રેષ્ઠ નેટ રન રેટના કારણે RCB અન્ય ટીમો કરતા આગળ છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): 10 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ મેળવી ત્રીજા સ્થાને છે.
રાજસ્થાન રોયલ્સ (RR): 10 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ ધરાવે છે, પરંતુ નેટ રન રેટમાં પાછળ હોવાથી ચોથા ક્રમે છે.
ગુજરાત ટાઇટન્સ (GT) પણ 10 મેચમાં 12 પોઈન્ટ ધરાવે છે, પરંતુ નબળા નેટ રન રેટના કારણે હાલમાં તે ટોપ-4 થી બહાર એટલે કે પાંચમા ક્રમે છે.
પોઈન્ટ ટેબલમાં નીચેના ક્રમે રહેલી ટીમો માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થતા જણાય છે. કોલકાતા નાઈટ રાઇડર્સ 9 મેચમાં 3 જીત સાથે આઠમા ક્રમે છે. મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની હાલત સૌથી ખરાબ છે, જેઓ પોઈન્ટ ટેબલમાં અનુક્રમે નવમા અને દસમા સ્થાને છે. આ બંને ટીમો હવે વધુમાં વધુ 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકે તેમ છે, જે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે કદાચ પૂરતા નહીં હોય.

(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
