<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

IPL ૨૦२૬ : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને ૨૩ રને કચડીને પ્લેઓફની ટિકિટ કંફર્મ કરી : પ્રથમ ટીમ તરીકે અંતિમ ચારમાં એન્ટ્રી

ધર્મશાલાના મેદાન પર આરસીબીના ૨૨૨ રનના તોતિંગ લક્ષ્યાંક સામે પંજાબ કિંગ્સ ૧૯૯ રન જ બનાવી શકી : કેપ્ટન શ્રેયસ અય્યરની બ્રિગેડની સતત છઠ્ઠી હાર સાથે પ્લેઓફની આશાઓ લગભગ સમાપ્ત

ધર્મશાલા : ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ ૨૦૨૬ ના પ્લેઓફમાં સત્તાવાર રીતે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં બેંગલુરુએ પંજાબ કિંગ્સને ૨૩ રને પરાજય આપીને ચાલુ સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બનવાનું ગૌરવ મેળવ્યું છે. આ જીત સાથે આરસીબી ૧૩ મેચોમાં ૧૮ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને મજબૂતાઈથી યથાવત રહી છે. બીજી તરફ, શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સની ટીમને સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ૧૩ મેચોમાં ૧૩ પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહેલી પંજાબની પ્લેઓફની આશાઓ હવે લગભગ ધૂંધળી બની ગઈ છે. આરસીબીના નિયમિત કેપ્ટન રજત પાટીદાર આ મેચમાં રમી રહ્યા ન હોવાથી જીતેશ શર્માએ ટીમની કમાન સંભાળી હતી.

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૨૨ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જોકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને જેકબ બેથલ માત્ર ૧૧ રન બનાવી હરપ્રિત બ્રારનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઓપનર વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે બીજી વિકેટ માટે ૭૬ રનની મહત્વની ભાગીદારી કરી હતી. પડિક્કલે ૨૫ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૪૫ રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર ફોર્મ જારી રાખતા ૩૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકારી ૫૮ રનની અર્ધસદીની ઇનિંગ રમી હતી. કોહલીના આઉટ થયા બાદ વેંકટેશ અય્યરે મોરચો સંભાળ્યો હતો અને ૪૦ બોલમાં ૮ ચોગ્ગા તેમજ ૪ છગ્ગાની મદદથી અણનમ ૭૩ રનની તોફાની ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં ટિમ ડેવિડે ૧૨ બોલમાં ૨૮ રન ફટકારી સ્કોર ૨૨૨ સુધી પહોંચાડ્યો હતો, જે છેલ્લી બોલે અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો. પંજાબ તરફથી હરપ્રિત બ્રારે બે વિકેટ ઝડપી હતી.

૨૨૩ રનના વિશાળ અને મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ અને આંચકાજનક રહી હતી. ઓપનર પ્રિયાંશ આર્ય ખાતું ખોલાવ્યા વગર જ ભુવનેશ્વર કુમારના પહેલા ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ભુવનેશ્વરે ત્રીજી ઓવરમાં પ્રભસિમરન સિંહને માત્ર ૨ રને આઉટ કરીને પંજાબને બીજો ફટકો આપ્યો હતો. કેપ્ટન તરીકે પોતાની ૧૦૦મી આઈપીએલ મેચ રમી રહેલા શ્રેયસ અય્યર પણ ફ્લોપ સાબિત થયા હતા અને ચોથી ઓવરમાં રાસિખ સલામનો શિકાર બની માત્ર ૧૯ રનના કુલ સ્કોર પર પેવેલિયન ભેગા થયા હતા. કૂપર કોનોલીએ ૨૨ બોલમાં ૩૭ રન અને સૂર્યાંશ શેડગેએ ૨૨ બોલમાં ૩૭ રન બનાવીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ અનુક્રમે રોમારિયો શેફર્ડ અને સુયશ શર્માની બોલિંગમાં આઉટ થઈ ગયા હતા અને પંજાબે ૯૩ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

એક તબક્કે પંજાબની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે માર્કસ સ્ટોઈનિસ અને શશાંક સિંહે છઠ્ઠી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી કરીને મેચમાં રોમાંચ જગાડ્યો હતો. સ્ટોઈનિસે ૨૫ બોલમાં ૫ ચોગ્ગા સાથે ૩૭ રન બનાવ્યા હતા, જેને ૧૭મી ઓવરમાં જોશ હેઝલવુડે એલબીડબલ્યુ આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. અંતિમ ઓવરમાં પંજાબને જીતવા માટે મુશ્કેલ લક્ષ્યાંક હતો ત્યારે રાસિખ સલામે શશાંક સિંહ અને અઝમતુલ્લાહ ઉમરઝઈને આઉટ કરીને પંજાબની ઇનિંગને ૭ વિકેટે ૧૯૯ રન પર સીમિત કરી દીધી હતી અને બેંગલુરુએ ૨૩ રનથી મેચ જીતી લીધી હતી. આરસીબી તરફથી ભુવનેશ્વર કુમાર અને રાસિખ સલામે સફળ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સીઝનમાં પણ આરસીબીએ પંજાબને હરાવીને જ આઈપીએલ ટાઈટલ જીત્યું હતું.

(7:31 PM IST)