તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
આઈપીએલ 2027: હર્ષલ પટેલ હવે ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે, SRH સાથેના ટ્રેડ બાદ ફી 8 કરોડથી ઘટીને 4 કરોડ થઈ
બે વખતના પર્પલ કેપ વિજેતાએ 50% પગાર કાપ સ્વીકાર્યો, ઓલ-કેશ ડીલમાં GTમાં એન્ટ્રી, 2024માં GTએ 10.5 કરોડ સુધી બોલી લગાવી હતી, હવે 5મી ફ્રેન્ચાઇઝી માટે રમશે

અમદાવાદ તા.૧૭ : IPL 2027ની રિટેન્શન ડેડલાઈન પહેલા જ મોટો ટ્રેડ થયો છે. બે વખતના પર્પલ કેપ વિજેતા અનુભવી ફાસ્ટ બોલર હર્ષલ પટેલ હવે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) છોડીને ગુજરાત ટાઇટન્સ (GT)તરફથી રમશે.
SRH અને GT વચ્ચે આ ઓલ-કેશ ડીલ થઈ છે. આ ડીલમાં કોઈ ખેલાડીની અદલાબદલી નથી થઈ, સીધું નાણાકીય ચૂકવણું થયું છે.
હર્ષલને 2025ના મેગા ઓક્શનમાં SRHએ 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે GTમાં જવા પર તેને માત્ર 4 કરોડ રૂપિયા મળશે. એટલે કે 50% પગાર કાપ સ્વીકારવો પડ્યો છે. ડીલ પૂર્ણ થતા GTના ઓક્શન પર્સમાંથી 4 કરોડ રૂપિયા કપાશે.
2025માં SRH માટે હર્ષલે 13 મેચમાં 16 વિકેટ લીધી હતી, ઈકોનોમી 9.80 રહી હતી. પણ IPL 2026 તેના માટે ખૂબ ખરાબ રહી. માત્ર 5 મેચ રમ્યો અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં, ઈકોનોમી 10.82 રહી. SRHએ અનકેપ્ડ ભારતીય પેસર પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈનને વધુ તક આપી હતી. જો ટ્રેડ ન થયો હોત તો તેને રિલીઝ પણ કરી દેવામાં આવ્યો હોત.
ગુજરાત ટાઇટન્સને હર્ષલમાં પહેલેથી રસ હતો. 2024ની હરાજીમાં GTએ તેના માટે 10.5 કરોડ સુધી બોલી લગાવી હતી. 2025ના મેગા ઓક્શનમાં પણ GT બોલીમાં હતી, પણ 6.5 કરોડે અટકી ગઈ હતી. હવે 4 કરોડમાં જ હર્ષલ GTનો થઈ ગયો.
GT હર્ષલની IPL કરિયરની 5મી ફ્રેન્ચાઇઝી હશે. આ પહેલા તે RCB, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને SRH માટે રમી ચૂક્યો છે. 2012માં ડેબ્યૂ કરનાર 35 વર્ષીય હર્ષલે અત્યાર સુધીમાં 124 IPL મેચમાં 151 વિકેટ લીધી છે.
IPL 2027ની રિટેન્શન ડેડલાઈન 17 નવેમ્બર છે, જ્યારે ટ્રેડ વિન્ડો 10 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
