તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
આઈપીએલ 2027: મુંબઈ ઇન્ડિયન્સે બદલી રણનીતિ, કીરોન પોલાર્ડ બન્યા ટીમના નવા હેડ કોચ
મહેલા જયવર્ધનેના ગયા બાદ ફ્રેન્ચાઇઝીએ પોતાના જ જૂના ખેલાડી અને કેપ્ટન હાર્દિક પંડ્યાના ખાસ મિત્ર પર મૂક્યો મોટો ભરોસો.

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની દુનિયામાં પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઇઝીએ આગામી આઈપીએલ 2027 માટે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. શ્રીલંકાના દિગ્ગજ મહેલા જયવર્ધને દ્વારા હેડ કોચનું પદ છોડ્યા બાદ, હવે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર અને લાંબા સમય સુધી મુંબઈની ટીમની ઓળખ રહેલા કીરોન પોલાર્ડને આ જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે પોલાર્ડ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યાના અત્યંત નજીકના મિત્ર માનવામાં આવે છે.
'પલટન'ના પરિવાર સાથેનો 16 વર્ષ જૂનો નાતો
કીરોન પોલાર્ડ જ્યારે માત્ર 22 વર્ષના યુવાન હતા ત્યારે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયા હતા. ફ્રેન્ચાઇઝી સાથેનો તેમનો આ સંબંધ લગભગ 16 વર્ષ જૂનો છે. મુંબઈએ અત્યાર સુધી જે પાંચ ટ્રોફી જીતી છે, તેમાં પોલાર્ડ એક ખેલાડી તરીકે મુખ્ય આધારસ્તંભ રહ્યા હતા. હવે ખેલાડી અને ત્યારબાદ બેટિંગ કોચ તરીકેની સફળ સફર ખેડ્યા બાદ, તેઓ ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચ તરીકેની સૌથી મોટી ભૂમિકામાં પ્રવેશ કરી રહ્યા છે.
શું બોલ્યા કીરોન પોલાર્ડ?
પોલાર્ડે પોતાની આ નવી નિમણૂક પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મુંબઈ ઇન્ડિયન્સ માત્ર એક ટીમ નથી પરંતુ મારા જીવન અને કરિયરનો મોટો હિસ્સો છે. આ બ્લુ એન્ડ ગોલ્ડ જર્સીને પહેરવા પાછળની જવાબદારી અને 'પલટન' (ફેન્સ)ની અપેક્ષાઓ હું સારી રીતે સમજુ છું. હું નીતા અંબાણી, આકાશ અંબાણી અને સમગ્ર મેનેજમેન્ટનો આભાર માનું છું. હું ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે મળીને ટીમની વિરાસતને આગળ ધપાવવા માટે બેહદ ઉત્સુક છું.”
માલિક નીતા અંબાણીએ વ્યક્ત કર્યો અતૂટ વિશ્વાસ
ફ્રેન્ચાઇઝીના કો-ઓનર નીતા અંબાણીએ આ મહત્ત્વપૂર્ણ જાહેરાત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, “પોલાર્ડ વર્ષોથી અમારા પરિવારનો અભિન્ન અંગ રહ્યા છે. તેમણે ખેલાડી તરીકે અસંખ્ય યાદગાર પળો આપ્યા છે અને કોચ તરીકે પણ પોતાનો અનુભવ શેર કર્યો છે. 'પોલી' સારી રીતે જાણે છે કે એમઆઈ (MI) માટે રમવાનો વાસ્તવિક અર્થ શું છે. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ એટલી જ નિષ્ઠા અને કઠિન પરિશ્રમ સાથે ટીમનું આગામી નેતૃત્વ સંભાળશે.”
આગામી સમયમાં પોલાર્ડની આ નવી રણનીતિ અને કોચિંગ સ્ટાઇલ મુંબઈ ઇન્ડિયન્સને ફરી એકવાર ચેમ્પિયન બનાવવા માટે કેટલી કારગર સાબિત થાય છે, તે આઈપીએલ 2027માં જોવા મળશે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
