<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

આઇપીએલ પ્‍લેઓફનું ગણિત મુંઝવણભર્યું : ગુજરાત અને આરસીબીની એન્‍ટ્રી લગભગ નક્કી, ચેન્નઈ-કોલકાતા માટે આશાનું કિરણ

નવી દિલ્‍હી : આઇપીએલની સીઝન હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. લીગ સ્‍ટેજ પૂરો થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્‍યારે પ્‍લેઓફની રેસમાં ભારે રસાકસી જોવા મળી રહી છે.

હાલના સમીકરણો મુજબ ગુજરાત ટાઇટન્‍સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર પ્‍લેઓફની રેસમાં સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્‍યા છે.

ગુજરાત ટાઇટન્‍સે આ સીઝનમાં શાનદાર સાતત્‍ય જાળવી રાખીને ૧૬ પોઈન્‍ટ મેળવનારી પ્રથમ ટીમ બની છે. ૮૦% થી વધુની સંભાવના સાથે ગુજરાતનું પ્‍લેઓફમાં સ્‍થાન લગભગ નિヘતિ માનવામાં આવે છે. બીજી તરફ, રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર પણ ૮૦.૧%ની સંભાવના સાથે મજબૂત સ્‍થિતિમાં છે. સનરાઇઝર્સ હૈદરાબાદને ગઈકાલે ૮૨ રનથી મળેલી કારમી હાર છતાં, તેઓ ૮૦% સંભાવના સાથે રેસમાં બરકરાર છે.

પંજાબ કિંગ્‍સ માટે હવે પછીની દરેક મેચ ‘કરો અથવા મરો' જેવી છે. સતત ૪ મેચમાં હાર મળતા પંજાબની પ્‍લેઓફની તક ૬૨.૫% પર આવી ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્‍સ પણ ૪૨.૭% સંભાવના સાથે હજુ મેદાનમાં છે, જ્‍યારે કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે પ્‍લેઓફમાં પહોંચવાની ૧૧.૬% જેટલી પાતળી તક રહેલી છે.

પાંચ વખતની ચેમ્‍પિયન મુંબઈ ઇન્‍ડિયન્‍સ અને લખનઉ સુપર જાયન્‍ટ્‍સ માટે આ સીઝન નિરાશાજનક રહી છે. બંને ટીમો ૧૧ મેચમાં માત્ર ૩ જીત મેળવી શકતા સત્તાવાર રીતે પ્‍લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. દિલ્‍હી કેપિટલ્‍સ પાસે પણ માત્ર ૧.૨% જેટલી નહિવત તક છે. જેનો અર્થ છે કે તેમનો સફર પણ લગભગ અંતિમ તબક્કામાં છે.

નિષ્‍ણાતોના મતે જ્‍યારે ૧૦ ટીમો વચ્‍ચે ટુર્નામેન્‍ટ રમાતી હોય ત્‍યારે પ્‍લેઓફમાં સ્‍થાન મેળવવા માટે ૧૬ પોઈન્‍ટ અનિવાર્ય છે. જોકે, આ વખતે મધ્‍ય ક્રમની ટીમો વચ્‍ચે નેટ રન રેટનો તફાવત ખૂબ જ ઓછો હોવાથી અંતિમ ટીમનો નિર્ણય રન રેટના આધારે લેવાય તેવી પૂરી શકયતા છે.

(3:04 PM IST)