<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

વન-ડે ક્રિકેટનું અસ્‍તિત્‍વ જોખમમાં? રવિચંદ્રન અશ્વિનનું ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવતું નિવેદન

ટી૨૦ ફોર્મેટનો ઝડપથી વિસ્‍તાર થશે, પરંતુ વન-ડેના ભવિષ્‍ય અંગે અનિશ્ચિતતાઃ રમતને વૈશ્વિક સ્‍તરે લઈ જવા માટે ટૂંકા ફોર્મેટ જ એકમાત્ર વિકલ્‍પ

નવી દિલ્‍હી : વૈશ્વિક સ્‍તરે ક્રિકેટના બદલાતા સ્‍વરૂપ વચ્‍ચે ભારતીય ટીમના દિગ્‍ગજ સ્‍પિનર રવિચંદ્રન અશ્વિને વન-ડે ક્રિકેટના ભવિષ્‍યને લઈને એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્‍યું છે. અશ્વિનના મતે, આગામી સમયમાં વન-ડે ક્રિકેટનું ભવિષ્‍ય બહુ ઉજ્જવળ દેખાતું નથી અને આ ફોર્મેટ ધીમે-ધીમે પોતાની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. તેની સામે ટી૨૦ ક્રિકેટનો વ્‍યાપ અને વિકાસ ખૂબ જ ઝડપથી થશે.

અશ્વિને સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, જો ક્રિકેટને ફૂટબોલની જેમ સાચા અર્થમાં એક વૈશ્વિક રમત બનાવવી હોય, તો ફોર્મેટને ટૂંકા રાખવા પર જ સૌથી વધુ ભાર મૂકવો પડશે. આજનો પ્રેક્ષક ૫૦ ઓવરની લાંબી મેચો જોવા કરતાં ટી૨૦ જેવા રોમાંચક અને ઝડપી પરિણામ આપતા ફોર્મેટ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યો છે.

દિગ્‍ગજ સ્‍પિનરે ઉમેર્યું કે, બદલાતા સમય સાથે રમતનું આધુનિકીકરણ અનિવાર્ય છે. ટી૨૦ લીગના વધી રહેલા ક્રેઝ અને વ્‍યસ્‍ત શિડ્‍યુલ વચ્‍ચે વન-ડે ક્રિકેટનું અસ્‍તિત્‍વ ટકાવી રાખવું ક્રિકેટ બોર્ડ માટે આગામી સમયમાં મોટો પડકાર સાબિત થશે. અશ્વિનના આ નિવેદન બાદ હવે ક્રિકેટ જગતમાં વન-ડે ફોર્મેટના અસ્‍તિત્‍વ અને પ્રાસંગિકતાને લઈને ફરી એકવાર નવી ચર્ચા છેડાઈ ગઈ છે.

(4:44 PM IST)