<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

રમતવીરોએ નાની વયથી જ સ્પોર્ટ્સ સાયન્સ અપનાવવું અનિવાર્ય : દિલચશ્પ વાતો રજૂ કરતાં બે વખતનાં ઓલિમ્પિયન અને અર્જુન એવોર્ડી આર્ચર ડોલા બેનરજી

નારાણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ડોલા બેનરજીનું નિવેદન : એશિયન ગેમ્સમાં ભારતીય તીરંદાજો તરફથી ઉત્કૃષ્ટ પ્રદર્શનની આશા, દેશમાં રમતગમત સંસ્કૃતિ વધારવા હાકલ

(અમદાવાદ):ભારતમાં રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલોની સંખ્યામાં મોટો વધારો કરવા માટે રમતવીરોએ નાની વયથી જ સ્પોર્ટ્સ સાયન્સનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી હોવાનું બે વખતનાં ઓલિમ્પિયન અને અર્જુન એવોર્ડી તીરંદાજ ડોલા બેનરજીએ જણાવ્યું છે. અમદાવાદના નારાણપુરા સ્થિત સાઈ (SAI) એનસીઓઈ ખાતે એશિયન ગેમ્સ માટે જઈ રહેલી ભારતીય સ્વિમિંગ ટુકડીના વિદાય સમારંભ દરમિયાન તેઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ) મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

પોતાના ખેલજીવનના અનુભવો વાગોળતાં પૂર્વ રિકર્વ આર્ચર ડોલા બેનરજીએ જણાવ્યું હતું કે, તેમના સમયમાં ન્યુટ્રિશનિસ્ટ, સાયકોલોજિસ્ટ કે મસાજર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. કરિયરના અંતિમ તબક્કામાં મેડિટેશનનો સમાવેશ કરાયો ત્યારે તે બિનજરૂરી લાગતું હતું, પરંતુ આજના સ્પર્ધાત્મક યુગમાં સ્પોર્ટ્સ સાયકોલોજી અને ન્યુટ્રિશન અત્યંત આવશ્યક બની ગયા છે. બાળપણથી જ ખેલાડીઓની તાલીમમાં આ સુવિધાઓનો સમાવેશ કરવો જોઈએ અને તેને ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવી જરૂરી છે.

વર્તમાન ખેલાડીઓને સલાહ આપતાં ૨૦૦૭ ના આર્ચરી વર્લ્ડ કપના ઇન્ડિવિઝ્યુઅલ ગોલ્ડ મેડલિસ્ટ ડોલા બેનરજીએ કહ્યું હતું કે, આજના સમયમાં માત્ર દિવસના સાત કલાક પ્રેક્ટિસ પૂરતી નથી. દિવસમાં પાંચ કલાક પ્રેક્ટિસ અને બે કલાક સ્પોર્ટ્સ સાયન્સ પાછળ રોકવા જોઈએ. આધુનિક સપોર્ટ સર્વિસીસનો દૈનિક અભ્યાસમાં ઉપયોગ કરવો એ ખેલાડીઓની પોતાની જવાબદારી છે.

આગામી આઈચી નાગોયા એશિયન ગેમ્સમાં ભારતીય તીરંદાજોના પ્રદર્શન અંગે આશાવાદ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, ટીમમાં અનેક જૂનિયર ખેલાડીઓ સામેલ છે જેઓ દબાણ વગર રમીને ઉત્કૃષ્ટ પરિણામ આપી શકે છે. કમ્પાઉન્ડ આર્ચરીમાં ભારતનું રેન્કિંગ ઊંચું હોવાથી મેડલની મોટી અપેક્ષાઓ છે. ૨૦૨૨ એશિયન ગેમ્સમાં રિકર્વ કેટેગરીમાં પુરુષ ટીમે સિલ્વર અને મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હાલમાં ધીરજ બોમ્માદેવરા સારા ફોર્મમાં છે અને અંકિતા ભગત સહિતની રિકર્વ ટીમ ખૂબ અનુભવી હોવાથી આ વખતે સારા મેડલ મળવાની આશા છે.

૨૦૨૪ પેરિસ ઓલિમ્પિક્સનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, સાત ઇવેન્ટ્સમાં ચોથું સ્થાન મેળવવું એ પણ અગાઉના સમય કરતાં મોટો સુધારો છે. દેશમાં, ખાસ કરીને શાળાઓમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું પડશે. વાલીઓએ બાળકોને રમતોમાં આગળ ધપાવવા જોઈએ જેથી પ્રતિભાશાળી ખેલાડીઓનો વ્યાપ વધે અને દેશને વર્લ્ડ ક્લાસ એથ્લેટ્સ મળે.

(3:03 PM IST)