News of Wednesday, 11th November 2026
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની દીકરી યશસ્વી સિંહ ચરકે બે મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું
ક્લબ શ્રેણીમાં રજત અને એલિટ કેટેગરીમાં કાંસ્ય પદક હાંસલ કરનાર કરાટે વિરાંગના રિલાયન્સ ગ્રીન્સ સ્થિત ઉત્કલ કરાટે સ્કૂલમાં મેળવે છે તાલીમ : માર્ગદર્શકો અને સંસ્થાઓનો માન્યો આભાર

જામનગર: ખેલકૂદ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ફલક પર ભારત અને જામનગરનું નામ રોશન કરતી એક ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. વર્લ્ડ કરાટે ફેડરેશન (WKF) ના સંચાલન હેઠળ સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે ગત તા. ૪ થી ૮ નવેમ્બર દરમિયાન યોજાયેલી આંતરરાષ્ટ્રીય 'કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૬' માં જામનગરની આશાસ્પદ કરાટે ખેલાડી યશસ્વી સિંહ ચરકે શાનદાર કૌશલ્ય દાખવીને કુલ ૨ મેડલ પોતાના નામે કર્યા છે. યશસ્વીએ પોતાની શ્રેષ્ઠ રમત થકી ક્લબ કેટેગરીમાં સિલ્વર મેડલ (રજત પદક) અને એલિટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ (કાંસ્ય પદક) પ્રાપ્ત કરીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે.
રિલાયન્સ ગ્રીન્સની ઉત્કલ કરાટે સ્કૂલમાંથી લીધી તાલીમ:
વૈશ્વિક કક્ષાએ આ નોંધપાત્ર સફળતા મેળવનાર યશસ્વી સિંહ ચરક જામનગર સ્થિત રિલાયન્સ ગ્રીન્સ ખાતે કાર્યરત ઉત્કલ કરાટે સ્કૂલમાં કરાટેની કઠિન તાલીમ મેળવી રહી છે. આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યા બાદ યશસ્વીએ પોતાની આ સિદ્ધિનો શ્રેય આપતાં પોતાના મુખ્ય કોચ ઉમાકાંત સેનાપતિ સહિત તમામ માર્ગદર્શકો અને પ્રોત્સાહન પૂરું પાડનારી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક સાંસદનો મળ્યો સરાહનીય સહયોગ:
યશસ્વીને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સુધી પહોંચાડવામાં અને શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર કરવામાં DSO જામનગર, KDF, KIO, RSCC તેમજ KDARFS દ્વારા જરૂરી ટેક્નિકલ તાલીમ અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે સતત પ્રોત્સાહન આપવા બદલ રિલાયન્સ મેનેજમેન્ટ તેમજ જામનગરના સ્થાનિક સાંસદ પૂનમબેન માડમનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
