News of Saturday, 21st November 2026
જય મહેતા KKRમાં પોતાનો અડધો હિસ્સો $400 મિલિયનમાં વેચશે: ફ્રેન્ચાઇઝીનું મૂલ્યાંકન $1.78 બિલિયન આંકવામાં આવ્યું
અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ Ares Management સાથે ઓલ-કેશ ડીલ અંતિમ તબક્કામાં; BCCIની મંજૂરી અને ડ્યૂ ડિલિજન્સ બાકી

મુંબ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ત્રણ વખતની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની માલિકીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અભિનેત્રી જૂહી ચાવલાના પતિ અને ઉદ્યોગપતિ જય મહેતા KKRમાં પોતાનો અડધો હિસ્સો એટલે કે 22.5% ભાગીદારી અમેરિકા સ્થિત વૈશ્વિક રોકાણ કંપની Ares Management ને આશરે $400 મિલિયન (અંદાજે ₹3,700 કરોડ) માં વેચવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે.
આ પ્રસ્તાવિત ઓલ-કેશ સોદા સાથે સમગ્ર KKR ફ્રેન્ચાઇઝીનું મૂલ્યાંકન લગભગ $1.78 બિલિયન (આશરે ₹16,634 કરોડ) થાય છે. આ સોદો પૂર્ણ થવાના આરે હોવા છતાં, તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ઔપચારિક મંજૂરી અને નવા રોકાણકારની ડ્યૂ ડિલિજન્સ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
માલિકીના સમીકરણમાં શું બદલાશે?
મહેતા ગ્રુપનો હિસ્સો: હાલમાં જય મહેતા અને જૂહી ચાવલા સાથે સંકળાયેલા મહેતા ગ્રુપ પાસે KKRમાં 45% હિસ્સો છે. 22.5% હિસ્સો વેચાયા બાદ મહેતા ગ્રુપનો હિસ્સો ઘટીને 22.5% રહેશે.
શાહરૂખ ખાનનો હિસ્સો યથાવત: સુપરસ્ટાર શાહરૂખ ખાનની કંપની Red Chillies Entertainment પાસે ફ્રેન્ચાઇઝીમાં 55% બહુમતી હિસ્સો છે, જે આ સોદા બાદ પણ યથાવત રહેશે. આથી KKRના મુખ્ય નિયંત્રણમાં કોઈ ફેરફાર નહીં થાય.
2007ની શરૂઆત: શાહરૂખ ખાન, જૂહી ચાવલા અને જય મહેતાના કન્સોર્ટિયમે વર્ષ 2007માં KKRની માલિકી મેળવી હતી.
BCCIને કેટલી આવક થશે?
IPLના નિયમો અનુસાર, ફ્રેન્ચાઇઝીના હિસ્સાના વેચાણ પર BCCI સોદાના મૂલ્યના 5% જેટલી રકમ મેળવવા હકદાર છે. આ હિસાબે $400 મિલિયનના સોદાથી BCCIને લગભગ $20 મિલિયન (અંદાજે ₹200 કરોડની આસપાસ) ની આવક થઈ શકે છે.
કોણ છે જય મહેતા અને શું છે Ares Management?
જય મહેતા: જય મહેન્દ્ર મહેતા મુંબઈ સ્થિત બહુરાષ્ટ્રીય કૌટુંબિક બિઝનેસ 'મહેતા ગ્રુપ' ની ભારતીય કામગીરીનું નેતૃત્વ કરે છે. તેમણે 1983માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં સ્નાતક અને 1991માં સ્વિટ્ઝર્લેન્ડની IMDમાંથી MBA કર્યું છે.
Ares Management: આ અમેરિકન વૈકલ્પિક રોકાણ વ્યવસ્થાપન કંપની ક્રેડિટ, પ્રાઈવેટ ઇક્વિટી અને રિયલ એસેટ્સમાં સક્રિય છે. રમતગમત જગતમાં તે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ Chelsea FC, NFL ટીમ Miami Dolphins સાથે જોડાયેલી છે તેમજ ઇંગ્લેન્ડની 'ધ હન્ડ્રેડ' લીગની ટીમ Trent Rockets ની સહ-માલિક પણ છે.
IPL 2027 પહેલાં મોટો વળાંક
KKRએ અત્યાર સુધીમાં 2012, 2014 અને 2024માં એમ ત્રણ વખત IPL ટ્રોફી જીતી છે અને 2021માં રનર્સ-અપ રહી હતી. IPL 2027ની સીઝન પહેલાં ટીમ એક તરફ ખેલાડીઓના પુનર્ગઠનના તબક્કામાંથી પસાર થઈ રહી છે, તો બીજી તરફ આ સંભવિત રોકાણ સોદો ફ્રેન્ચાઇઝીના નાણાકીય અને માલિકી માળખાને નવો આકાર આપી શકે છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
