<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જોહનિસબર્ગના વોન્‍ડરર્સ ગ્રાઉન્‍ડ પર ૩૪,૦૦૦ સીટ માટે ૮૪ લાખ ટિકિટ-રિક્‍વેસ્‍ટ મળી!

૨૦૨૭ ભારત વિરુદ્ધ પાકિસ્‍તાન વર્લ્‍ડ કપ મેચ

જોહનિસબર્ગ,તા.૪: ૨૦૨૭ના વન-ડે વર્લ્‍ડ કપમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે જોહનિસબર્ગના વોન્‍ડરર્સ ગ્રાઉન્‍ડ પર જે લીગ મેચ રમાવાની છે એને હજી લગભગ ૧૧ મહિનાનો સમય બાકી છે એમ છતાં અત્‍યારથી આ મુકાબલાની ચર્ચા થવા લાગી છે અને એનું સૌથી મોટું કારણ એ છે કે આયોજકોને ૩૪,૦૦૦ સીટ (Seats) માટે લાખ-બે લાખ નહીં, પણ ૮૪ લાખ જેટલી ટિકિટ-રિક્‍વેસ્‍ટ મળી છે. એ રીતે, આ મેચ માટેનો ક્રિકેટપ્રેમીઓનો ક્રેઝ નવી ઊંચાઈએ જોવા મળ્‍યો છે.

આફ્રિકા ખંડમાં ક્રિકેટનો વન-ડે વર્લ્‍ડ કપ ૨૪ વર્ષે કમબેક કરશે. આ ટૂર્નામેન્‍ટ સાઉથ આફ્રિકા, ઝિમ્‍બાબ્‍વે અને નામિબિયામાં રમાશે.

પાકિસ્‍તાનની ક્રિકેટ ટીમ અગાઉના વર્ષોની તુલનામાં હવે સાવ દમ વગરની હોવાથી થોડા મહિનાઓથી ભારત-પાકિસ્‍તાનની મેચ પહેલાં જેવી હાઇ-વોલ્‍ટેજ રહેતી તો નથી, પરંતુ ક્રિકેટમાં બન્ને દેશની ટીમ સામસામે આવવાની હોય ત્‍યારે ક્રિકેટપ્રેમીઓમાં ભરપૂર ઉત્‍સાહ તો જોવા મળતો જ હોય છે. ચોક્કસ આંકડો જાણીએ તો આઇસીસીના જણાવ્‍યા મુજબ આ મેચની ૩૪,૦૦૦ સીટ માટે ૮૩,૯૭,૨૯૪ ટિકિટ-રિક્‍વેસ્‍ટ મળી છે. અત્‍યાર સુધીની તમામ ટૂર્નામેન્‍ટોમાં ભારત-પાકિસ્‍તાન મુકાબલા માટેની ટિકિટની ડિમાન્‍ડની બાબતમાં આ વિક્રમ મનાય છે.

અંગ્રેજીમાં ભારત-પાકિસ્‍તાન મુકાબલો ‘મધર ઑફ ઑલ બેટલ્‍સ' તરીકે ઓળખાય છે. આ મેચ જોહનિસબર્ગમાં રમાશે અને ૨૧મી નવેમ્‍બરની ફાઇનલ પણ આ જ સ્‍થળે રમાશે, પરંતુ ભારત-પાકિસ્‍તાન મુકાબલાની તુલનામાં ફાઇનલ માટે લગભગ ૭૯ લાખ ટિકિટ-રિક્‍વેસ્‍ટ મળી છે.

બીજી રીતે કહીએ તો ફાઇનલમાં જે પણ બે દેશ આવવાના હોય, પરંતુ ક્રિકેટપ્રેમીઓની સૌથી વધુ ડિમાન્‍ડ ભારત-પાકિસ્‍તાન મેચ માટેની છે. આખા વર્લ્‍ડ કપ માટે આઇસીસીને ૧૯૩ દેશમાંથી કુલ ૧૨ કરોડ જેટલી ટિકિટ-રિક્‍વેસ્‍ટ મળી છે જેમાંથી ૮૪ લાખ રિક્‍વેસ્‍ટ એકલા ભારત-પાકિસ્‍તાન મેચ માટેની છે.

(10:05 AM IST)