તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 4th September 2026
આંતરરાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કિયા બેનર્જીએ ઓનલાઈન સતામણી અને ડીપફેક તસવીરોના કાળા સત્યનો કર્યો ઘટસ્ફોટ
સાઉથ આફ્રિકામાં યોજાયેલી સ્પર્ધામાં પોતાના શરીરના વજન કરતા ત્રણ ગણું વધુ વજન ઉપાડીને લોકપ્રિયતા મેળવનાર યુવા એથ્લીટે ઓનલાઈન દુષણો અને એઆઈ જનરેટેડ તસવીરો સામે અવાજ ઉઠાવ્યો છે.

મુંબઈ: રમતગમત ક્ષેત્રે પોતાની અસાધારણ પ્રતિભાથી દેશનું ગૌરવ વધારનાર ખેલાડીઓને ઘણીવાર અણધારી ડિજિટલ આપત્તિઓનો સામનો કરવો પડે છે. દક્ષિણ આફ્રિકાના સન સિટી ખાતે આયોજિત 'IPF વર્લ્ડ સબ-જુનિયર એન્ડ જુનિયર ક્લાસિક પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ ૨૦૨૬' માં ઝળકેલી ૨૧ વર્ષીય ભારતીય પાવરલિફ્ટર કિયા કુણાલ બેનર્જી સાથે પણ આવી જ આઘાતજનક ઘટના બની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવ્યા બાદ કિયાએ સોશિયલ મીડિયાના એક કાળા સચનો પર્દાફાશ કર્યો છે, જેણે રમતજગતમાં ભારે સળવળાટ મચાવી દીધો છે. વાયરલ થયા બાદ આ યુવા ખેલાડીને ગંભીર ઓનલાઈન ઉત્પીડન, ફેક અકાઉન્ટ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગનો શિકાર બનવું પડ્યું છે.
દક્ષિણ આફ્રિકા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં કિયા બેનર્જીએ જુનિયર મહિલા ૪૭ કિલોગ્રામ વર્ગમાં ભાગ લીધો હતો. ૪૫.૭૦ કિલોગ્રામ વજન ધરાવતી કિયાએ પોતાના શરીરના વજન કરતાં ત્રણ ગણાથી પણ વધુ એટલે કે સ્ક્વોટમાં ૯૦ કિલોગ્રામ, બેન્ચ પ્રેસમાં ૫૦ કિલોગ્રામ અને ડેડલિફ્ટમાં ૧૪૦ કિલોગ્રામ મળીને કુલ ૨૮૦ કિલોગ્રામ વજન ઊંચકીને અસાધારણ પ્રદર્શન કર્યું હતું. ડેડલિફ્ટમાં ૧૪૦ કિલોગ્રામ વજન ઉઠાવીને તેણે વ્યક્તિગત સ્પર્ધામાં રજત પદક (સિલ્વર મેડલ) પોતાના નામે કર્યો હતો, જ્યારે ઓવરઓલ રેન્કિંગમાં તે પાંચમા સ્થાને રહી હતી.
આ ઐતિહાસિક સિદ્ધિની સાથે જ સોશિયલ મીડિયા પર તેના દેખાવ અને લુક્સને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી અને તે રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. નેટીઝન્સે તેને વિશ્વની સૌથી સુંદર પાવરલિફ્ટર ગણાવી હતી. જોકે, આ વાયરલ પ્રસિદ્ધિ ટૂંક સમયમાં જ ભયાનક માનસિક યાતનામાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે સોશિયલ મીડિયા પર તેની ઓળખ ચોરી કરીને (ઈમ્પર્સનેશન) અનિચ્છનીય ટિપ્પણીઓ અને જાતીય સતામણી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેની વંશાવળી, જ્ઞાતિ અને વંશ પર પણ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણનો સૌથી ડરામણો સિક્વલ ત્યારે સામે આવ્યો જ્યારે કિયાને જાણવા મળ્યું કે ઈન્ટરનેટ પર તેના ચહેરા અને શરીરનો ઉપયોગ કરીને હજારો AI-જનરેટેડ મોર્ફ્ડ અને નકલી તસવીરો તેની સંમતિ વિના વાયરલ કરવામાં આવી રહી છે. આવી આપત્તિજનક તસવીરો સામે આવ્યા બાદ કિયાએ ચુપ રહેવાને બદલે ખુલ્લેઆમ સામે આવીને પોતાના અધિકારો અને ડિજિટલ સતામણી સામે મજબૂત કાનૂની પવલાં ભરવાનો અને અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
