તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 23rd May 2026
પાવર હિટિંગના જમાનામાં કિંગ કોહલીનો યુવા ખેલાડીઓને ગુરુમંત્ર: “આજકાલ છગ્ગા ફટકારવા એ કોઈ મોટી વાત નથી, અસલી મરદ એ જ છે જે દબાણની ગૂંગળામણ વચ્ચે ક્રિઝ પર ટકીને ટીમને જીતાડીને પાછો ફરે!”
લખનૌ સુપર જાયન્ટ્સના યુવા સનસનાટીભર્યા બેટ્સમેન મુકુલ ચૌધરીને વિરાટ કોહલીએ આપી કારકિર્દી બદલી નાખનારી અમૂલ્ય સલાહ; દેવદત્ત પડિક્કલે પણ કિંગ સાથે ઈનિંગ્સ બિલ્ડિંગની કળા શીખ્યાનો કર્યો મોટો ખુલાસો

બેંગલુરુ:આધુનિક યુગના ક્રિકેટમાં જ્યારે પાવર હિટિંગ અને આડેધડ બેટ ફેરવીને સિક્સર મારવાની હોડ જામી છે, ત્યારે રન મશીન વિરાટ કોહલીએ યુવા પેઢીના બેટ્સમેનોની આંખો ખોલનારો એક મોટો ખુલાસો કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ લખનૌ સુપર જાયન્ટ્સના ઉભરતા સ્ટાર મુકુલ ચૌધરીને માત્ર મોટા શૉટ્સ મારવાની ઘેલછામાંથી બહાર આવીને મેચ ફિનિશર બનવાની અને કારકિર્દીને એક નવી ઊંચાઈએ લઈ જવાની ગુપ્ત કળા શીખવી છે.
આઈપીએલની છેલ્લી કેટલીક સીઝનથી યુવા પ્રતિભાઓને નિખારવામાં મોટું યોગદાન આપી રહેલા કોહલીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વર્તમાન સમયમાં સિક્સર મારવી એ કોઈ અસાધારણ બાબત નથી રહી. લખનૌના યુવા બેટ્સમેન મુકુલ ચૌધરીએ કિંગ કોહલી સાથે થયેલી આ હાઈ-પ્રોફાઈલ વાતચીતના અંશો મીડિયા સમક્ષ જાહેર કર્યા છે, જેમાં કોહલીએ ભારપૂર્વક સમજાવ્યું હતું કે ખરા અર્થમાં મહાન બેટ્સમેન બનવા માટે પાવર કરતાં માનસિક મજબૂતાઈ અને દબાણ હેઠળ શાંત રહીને મેચ પૂરી કરવાની ક્ષમતા વધુ જરૂરી છે.
મુકુલ ચૌધરીએ જિયોસ્ટાર સાથેની વિશેષ મુલાકાતમાં કોહલીના શબ્દોને ટાંકતા કહ્યું કે, કોલકાતા સામેની રોમાંચક મેચ બાદ વિરાટે પર્સનલ ફીડબેક આપતા આ માર્ગદર્શન આપ્યું હતું. નવી પેઢીનો કોઈપણ સામાન્ય બેટ્સમેન પણ ટાઈમિંગ સાથે બોલને બાઉન્ડ્રી રેખાની બહાર મોકલી શકે છે, પરંતુ સાચો પડકાર ત્યારે ઊભો થાય છે જ્યારે ૧૭૦-૧૮૦ રનના કપરા લક્ષ્યનો પીછો કરતી વખતે એક છેડેથી સતત વિકેટો પડતી હોય અને રિક્વાયર્ડ રન રેટ આસમાને પહોંચી રહ્યો હોય. આવા મરણિયા સંજોગોમાં જે ખેલાડી નર્વ્સ પર કંટ્રોલ રાખી ઈનિંગને એન્કર કરે છે, તે જ ઈતિહાસ રચે છે.
આ માત્ર મુકુલ ચૌધરી પૂરતું મર્યાદિત નથી, ભારતના અન્ય એક પ્રતિભાશાળી બેટ્સમેન દેવદત્ત પડિક્કલે પણ વિરાટ કોહલીના આ જાદુઈ પ્રભાવની પુષ્ટિ કરી છે. પડિક્કલે પોતાની જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦માં જ્યારે તેમણે આરસીબી વતી ડેબ્યૂ કર્યું ત્યારે ઘરેલું ક્રિકેટના રનના અંબાણ છતાં આઈપીએલનું દબાણ અલગ હતું. તે સમયે ઓપનિંગમાં વિરાટ કોહલીની સાથે બેટિંગ કરવાથી અને તેમને લાઈવ ઈનિંગ બિલ્ડ કરતા જોવાથી ક્રિકેટ પ્રત્યેનો તેમનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો અને રમત પરિપક્વ બની હતી.
ક્રિકેટ પંડિતો વિરાટ કોહલીની આ ઓન-ફિલ્ડ પાઠશાળાને ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે અત્યંત આશીર્વાદરૂપ ગણાવી રહ્યા છે. ટી-૨૦ ફોર્મેટના અતિ આક્રમક આક્રમણ વચ્ચે પણ ઈનિંગને કંટ્રોલ કરવાની અને ટીમને વિજયી લક્ષ્ય સુધી પહોંચાડવાની આ વિરાટ સલાહ યુવા ખેલાડીઓના મનમાં કાયમ માટે કોતરાઈ ગઈ છે, જે આગામી સમયમાં ભારતીય ક્રિકેટને વિજેતાઓની નવી પેઢી આપવા સક્ષમ છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
