News of Wednesday, 22nd April 2026
પાકિસ્તાન ક્રિકેટમાં મોટું ‘ડ્રગ્સ’ કૌભાંડ: ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ ડોપ ટેસ્ટમાં ફેલ, T20 વર્લ્ડ કપ દરમિયાન પ્રતિબંધિત નશો કર્યો હોવાનો ઘટસ્ફોટ
ભારત-શ્રીલંકાની યજમાનીમાં રમાયેલા વર્લ્ડ કપમાં નવાઝનો રિપોર્ટ પોઝિટિવ: ઇંગ્લિશ કાઉન્ટી ‘સરે’ સાથેનો કરાર રદ, PCB દ્વારા તપાસના આદેશ બાદ ૩૨ વર્ષીય ખેલાડીની કારકિર્દી જોખમમાં

કરાચી, તા.૨૨: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયું છે. પાકિસ્તાની ટીમના અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ આ વર્ષની શરૂઆતમાં ભારત અને શ્રીલંકામાં રમાયેલા આઈસીસી (ICC) T20 વર્લ્ડ કપ ૨૦૨૬ દરમિયાન ‘રિક્રિએશનલ ડ્રગ્સ’ (નશીલા પદાર્થો) ના સેવન માટે પોઝિટિવ મળી આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા પાકિસ્તાની ક્રિકેટ ચાહકોમાં રોષ અને આઘાતની લાગણી જોવા મળી રહી છે.
વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધની મેચમાં પણ રમ્યો હતો
રિપોર્ટ અનુસાર, મોહમ્મદ નવાઝ સલમાન આગાના નેતૃત્વ હેઠળની તે પાકિસ્તાની ટીમનો ભાગ હતો જે સુપર-૮ સ્ટેજમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. નવાઝે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબો ખાતે ભારત વિરુદ્ધની મહત્વની મેચમાં પણ ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેણે માત્ર ૧૫ રન બનાવ્યા હતા અને ૭ વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન બાદ તેના ડોપિંગ રિપોર્ટે હવે પાકિસ્તાની ટીમની શિસ્ત પર મોટા સવાલો ઉભા કર્યા છે.
ઇંગ્લેન્ડ જવાનું સપનું રોળાયું
નવાઝ PSL ૨૦૨૬ પૂર્ણ કર્યા બાદ ઇંગ્લેન્ડમાં ‘T20 બ્લાસ્ટ’ ટુર્નામેન્ટ માટે જાણીતી ક્લબ ‘સરે’ (Surrey) સાથે જોડાવાનો હતો. PCB એ તેને આ માટે વાંધા પ્રમાણપત્ર (NOC) પણ આપી દીધું હતું. જોકે, ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવતા જ સરે ક્લબે તેની સાથેનો કરાર તોડી નાખ્યો છે, જે નવાઝ માટે આર્થિક અને વ્યાવસાયિક રીતે મોટો ફટકો છે.
શું છે આ ‘રિક્રિએશનલ ડ્રગ’?
રમતગમતની દુનિયામાં રિક્રિએશનલ ડ્રગનો અર્થ એવા પદાર્થો થાય છે જે ખેલાડી તેની ક્ષમતા કે પ્રદર્શન વધારવા માટે નહીં, પરંતુ વ્યક્તિગત મોજ-મજા કે સામાજિક કારણોસર લેતો હોય છે. જોકે, ICC અને PCB ના કડક નિયમો મુજબ આવા પદાર્થોનું સેવન ગુનો ગણાય છે. જો કોઈ ખેલાડી દોષિત સાબિત થાય, તો તેના પર લાંબા સમય સુધી પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.
PCB એ શરૂ કરી આકરી તપાસ
PCB એ આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો નવાઝ સંતોષકારક જવાબ નહીં આપી શકે, તો તેની ક્રિકેટ કારકિર્દીનો અંત આવી શકે છે. પાકિસ્તાની ક્રિકેટમાં ખેલાડીઓના આવા વર્તને ફરી એકવાર સાબિત કર્યું છે કે ટીમ મેનેજમેન્ટમાં ક્યાંક મોટી ઉણપ છે.
ક્રિકેટના મેદાન પર ફ્લોપ રહ્યા બાદ હવે મેદાનની બહારના આ ગંદા ખેલથી પાકિસ્તાન ક્રિકેટની વૈશ્વિક સ્તરે ફરી એકવાર ભારે બદનામી થઈ રહી છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
