<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ : કપ્તાન તિલક વર્માની સદી અને અભિષેક શર્માની ૭૦ રનની ઈનિંગ એળે ગઈ : પાકિસ્તાન A સામે ભારત A ટીમનો ૪૮ રને પરાજય

દોહામાં રમાયેલા રોમાંચક મુકાબલામાં પાકિસ્તાન A ટીમે ૩૧૩ રન ખડક્યા બાદ ભારત A ટીમ ૨૬૫ રનમાં ઓલઆઉટ : પાકિસ્તાન તરફથી હસન નવાઝના ૭૯ અને માજ સદાકતના ૫૯ રન : હસન નવાઝ અને અલી રઝાની ૩-૩ વિકેટ

દોહા: મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટના આઠમા મુકાબલામાં રવિવારે પાકિસ્તાન એ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ભારત એ ટીમને ૪૮ રને હરાવ્યું હતું. દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન એ ટીમે ૪૯.૨ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૩૧૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ૩૧૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારત એ ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને નિયમિત અંતરે વિકેટો પડતા ૪૯.૧ ઓવરમાં ૨૬૫ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી કપ્તાન તિલક વર્માએ એક છેડો સાચવી રાખીને શાનદાર સદી ફટકારી હતી, પરંતુ તે ટીમને વિજય અપાવી શક્યા નહોતા.

ભારતીય બેટિંગ ક્રમની પડતી અને તિલક વર્મા-અભિષેકનો સંઘર્ષ:
વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ભારત એ ટીમે શરૂઆતમાં જ વૈભવ સૂર્યવંશી અને આયુષ બદોનીની વિકેટ ગુમાવી દીધી હતી. વૈભવ ૧૩ બોલમાં ૧૧ રન બનાવી આઉટ થયો હતો, જ્યારે આયુષ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ત્યારબાદ અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતા માત્ર ૪૨ બોલમાં ૬ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૭૦ રન ફટકાર્યા હતા. અગાઉની મેચમાં સદી ફટકારનાર કુમાર કુશાગ્ર ૭ બોલમાં માત્ર ૨ રન, રિંકુ સિંહ ૧૪ બોલમાં ૬ રન અને સૂર્યાંશ ૩ રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. શાહબાઝ અહેમદે ૪૯ બોલમાં ૫૬ રનની લડાયક ઈનિંગ રમી હતી, જ્યારે વિપ્રજ નિગમ ક્લિન બોલ્ડ થયો હતો અને હર્ષિત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી હસન નવાઝ અને અલી રઝાએ ૩-૩ વિકેટ ઝડપીને ભારતીય બેટિંગ લાઈનઅપને હચમચાવી નાખી હતી.

પાકિસ્તાનની મજબૂત બેટિંગ અને ભારતીય બોલરોનું પ્રદર્શન:
અગાઉ પાકિસ્તાન એ ટીમે પ્રથમ બેટિંગ કરતા મક્કમ શરૂઆત કરી હતી. શમીલ હુસૈન અને માજ સદાકત વચ્ચે પ્રથમ વિકેટ માટે ૬૬ રનની ભાગીદારી નોંધાઈ હતી. આયુષ બદોનીએ ૨૩ બોલમાં ૩૩ રન બનાવનાર શમીલને આઉટ કર્યો હતો. ત્યારબાદ હર્ષિત રાણાએ રોહેલ નઝીરને આઉટ કર્યો હતો. માજ સદાકતે ૬૩ બોલમાં ૫૯ રન બનાવ્યા હતા, જ્યારે કપ્તાન અબ્દુલ સમદ ૩૫ બોલમાં ૨૮ રન બનાવી રન આઉટ થયો હતો. હસન નવાઝે ૮૨ બોલમાં સર્વાધિક ૭૯ રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત ઈમરાને ૧૪ બોલમાં ૨૩ રન અને મસૂદે ૯ રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનના ત્રણ બેટ્સમેનોએ ૫૦થી વધુ રન બનાવ્યા હતા. ભારત તરફથી હર્ષિત રાણા, વિપ્રજ નિગમ, પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગેએ ૨-૨ વિકેટ મેળવી હતી.

ટૂર્નામેન્ટમાં બંને ટીમોની અગાઉની કામગીરી અને પ્લેઈંગ ઈલેવન:
આ મુકાબલા અગાઉ ભારત એ ટીમે નેપાળ સામે ૩૦૬ રને વિશાળ વિજય મેળવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે પાકિસ્તાન એ ટીમે યુએઈને ૬૧ રને પરાજય આપ્યો હતો. મેચ પૂર્વે ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં બહેતર નેટ રન રેટના આધારે ભારતીય ટીમ પાકિસ્તાનથી આગળ હતી. ભારત એ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, તિલક વર્મા (કપ્તાન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવનો સમાવેશ થતો હતો. જ્યારે પાકિસ્તાન એ ટીમમાં શમીલ હુસૈન, માજ સદાકત, રોહેલ નઝીર (વિકેટકીપર), હસન નવાઝ, અબ્દુલ સમદ (કપ્તાન), ફરહાન યુસુફ, સાદ મસૂદ, મોહમ્મદ ઈમરાન રંધાવા, અહેમદ દાનિયાલ, સુફયાન મોકિમ અને અલી રઝા રમ્યા હતા.

(12:29 AM IST)