<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

મેસ્‍સીનો જાદુ ચાલ્‍યો, ઇજિપ્‍તને ૩-૨થી હરાવી આર્જેન્‍ટિના ક્‍વાર્ટર ફાઇનલમાં

મેસ્‍સીનો ૨૧મો ગોલ : શરૂઆતમાં પેનલ્‍ટી ચૂકયા બાદ લિયોનલ મેસ્‍સીએ શાનદાર વાપસી કરી રોમાંચક મુકાબલો : ઇજિપ્‍ત એક સમયે ૨-૦ થી આગળ હતું, આર્જેન્‍ટિનાએ અંતિમ મિનિટોમાં બાજી પલટી દીધી

નવી દિલ્‍હી : ફિફા વર્લ્‍ડ કપ ૨૦૨૬માં વધુ એક હાઈ-વોલ્‍ટેજ અને શ્વાસ અધ્‍ધર કરી દેનારી મેચ જોવા મળી છે. મોહમ્‍મદ સલાહની ઇજિપ્તની ટીમ સામે રોમાંચક જીત મેળવીને ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન આર્જેન્‍ટિનાએ ક્‍વાર્ટર ફાઇનલમાં (અંતિમ-૮) પ્રવેશ કરી લીધો છે. લિયોનલ મેસ્‍સી અને તેની ટીમે અંતિમ મિનિટોમાં ચમત્‍કારિક પ્રદર્શન કરીને મેચ ૩-૨ થી પોતાના નામે કરી લીધી હતી.

મેચની શરૂઆત ઇજિપ્ત માટે શાનદાર રહી હતી. ૧૫મી મિનિટે યાસિર ઇબ્રાહિમે ગોલ કરીને ઇજિપ્તને ૧-૦ ની લીડ અપાવી હતી. બીજી તરફ, ૧૯મી મિનિટે આર્જેન્‍ટિનાને પેનલ્‍ટી મળી હતી, પરંતુ લિયોનલ મેસ્‍સી તે ચૂકયો હતો અને આખું સ્‍ટેડિયમ સ્‍તબ્‍ધ થઈ ગયું હતું. ત્‍યારબાદ ૬૭મી મિનિટે મુસ્‍તફા ઝિકોએ બીજો ગોલ કરીને ઇજિપ્તની લીડ ૨-૦ કરી દીધી હતી. ૭૮મી મિનિટ સુધી ઇજિપ્ત મજબૂત સ્‍થિતિમાં હતું અને આર્જેન્‍ટિનાના ચાહકોના શ્વાસ થંભી ગયા હતા.

૭૯મી મિનિટે ક્રિヘયિન રોમેરોએ શાનદાર ગોલ કરીને આર્જેન્‍ટિનાની આશાઓ ફરી જીવંત કરી હતી અને સ્‍કોર ૨-૧ કર્યો હતો. તેના બરાબર ચાર મિનિટ બાદ, લિયોનલ મેસ્‍સીએ પોતાનો જાદુ બતાવતા વર્લ્‍ડ કપ કરિયરનો ૨૧મો ગોલ ફટકારીને સ્‍કોર ૨-૨ ની બરાબરી પર લાવી દીધો હતો. નક્કી કરેલા સમય સુધી મેચ બરાબરી પર રહ્યા બાદ, એક્‍સ્‍ટ્રા ટાઇમમાં (૯૩મી મિનિટે) એન્‍ઝો ફર્નાન્‍ડીઝે આર્જેન્‍ટિના માટે ત્રીજો અને વિજયી ગોલ કર્યો હતો.

આર્જેન્‍ટિના ક્‍વાર્ટર ફાઇનલમાં પહોંચનારી સાતમી ટીમ બની છે. આ પહેલા ફ્રાન્‍સ, મોરક્કો, સ્‍પેન, બેલ્‍જિયમ, ઇંગ્‍લેન્‍ડ અને નોર્વે ક્‍વાર્ટર ફાઇનલમાં જગ્‍યા બનાવી ચૂકયા છે. હવે ૧૧ જુલાઈએ કેન્‍સાસ સિટીના એરોહેડ સ્‍ટેડિયમમાં રમાનારી ક્‍વાર્ટર ફાઇનલ મેચમાં આર્જેન્‍ટિનાનો સામનો સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ અને કોલંબિયા વચ્‍ચેની રાઉન્‍ડ ઓફ ૧૬ મેચના વિજેતા સામે થશે. લિયોનલ મેસ્‍સીની કેપ્‍ટનશીપ હેઠળ ટીમ ઇટાલી અને બ્રાઝિલ બાદ સતત બે વર્લ્‍ડ કપ જીતનારો ત્રીજો દેશ બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.

(11:07 AM IST)