<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ક્રિકેટર મોહમ્મદ શમી અને પત્ની હસીન જહાં વચ્ચેના સંબંધોમાં ભંગાણ પાછળ ધારાસભ્યનો હાથ?: હસીન જહાંએ MLA ઉમેશ કુમાર પર લગાવ્યા સન્સનાટીભર્યા આરોપો!

"શમી ભૂલ સ્વીકારી પાછો ફરવા માંગતો હતો, પણ ધારાસભ્યની દખલગીરીએ સમાધાન ન થવા દીધું"; ફાર્મહાઉસ ગેંગરેપ કેસ અને રાજકીય ચૂંટણી લડવાના નિવેદન વચ્ચે હસીન જહાંનો નવો ધડાકો

અમરોહા : ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચેનો કૌટુમ્બિક વિવાદ એક નવો જ વળાંક લઈ રહ્યો છે. હસીન જહાંએ હવે ઉત્તરાખંડના ખાનપુર મતવિસ્તારના ધારાસભ્ય ઉમેશ કુમાર શર્મા પર અત્યંત ગંભીર આરોપો લગાવતા દાવો કર્યો છે કે, ધારાસભ્યની દખલગીરી અને સ્વાર્થના કારણે જ તેમનો ઘર-સંસાર બરબાદ થયો છે. હસીને એવો પણ સનસનાટીભર્યો આરોપ મૂક્યો છે કે ઉમેશ કુમારે શમીને મદદ કરવાના નામે મોટી નાણાકીય કમાણી કરી છે.

 

આ સનસનીખેજ વિગતો ત્યારે સામે આવી જ્યારે ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુર તહસીલમાં આવેલા ધારાસભ્ય ઉમેશ કુમારના ફાર્મહાઉસ પર એક ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી. આ ઘટના બાદ હિન્દુસ્તાન સાથે ખાસ વાતચીત કરતી વખતે હસીન જહાંએ ખુલાસો કર્યો હતો કે વર્ષ 2018 માં શમી પોતાની ભુલો સ્વીકારીને પત્ની અને પુત્રી પાસે પાછા ફરવા માંગતો હતો. જોકે, એ સમયે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાયેલા શમીએ ધારાસભ્ય ઉમેશ કુમારની મદદ માંગી હતી, અને ધારાસભ્યએ બંને વચ્ચે સમાધાન થવા દેવાને બદલે શમીનો આર્થિક લાભ ખાટીને અંતર વધારી દીધું હતું.

 

આ ઉપરાંત, હસીન જહાંએ ફાર્મહાઉસમાં બનેલી ગેંગરેપની શરમનાક ઘટના અંગે પણ ધારાસભ્યની જવાબદારી નક્કી કરવાની જોરદાર માંગ કરી છે. તેમણે કહ્યું કે આ ફાર્મહાઉસ ઉમેશ કુમારનું હોવાથી પોલીસ અને વહીવટીતંત્રે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

 

બીજી તરફ, હસીન જહાંના આ આક્રમક વલણ વચ્ચે તેમણે એક મોટી રાજકીય જાહેરાત પણ કરી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો મોહમ્મદ શમી કે તેનો ભાઈ ભવિષ્યમાં કોઈ પણ બેઠક પરથી ચૂંટણી લડશે, તો તેઓ તેમની સામે જ ચૂંટણી મેદાનમાં ઉમેદવારી નોંધાવશે. ધારાસભ્ય પર લગાવવામાં આવેલા આ ગંભીર આરોપો બાદ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના રાજકારણ તેમજ ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

(10:18 PM IST)