News of Thursday, 12th November 2026
મુંબઈ ક્રિકેટ અસોસિએશને T20 મુંબઈ લીગ ૨૦૨૬ના વિજેતાઓને સન્માનિત કર્યા, નવી મુંબઈ ફ્રૅન્ચાઇઝી તરીકે લીગમાં ઉમેરાઈ નવમી ટીમ
ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આયોજિત ભવ્ય સમારોહમાં વિજેતા ટીમોને ટ્રૉફી એનાયત કરાઈ, ૧૦૬ કરોડથી વધુમાં વેચાઈ નવી ટીમ

મુંબઈ :મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા ક્રિકેટ જગતમાં ઉત્સાહ વધારતી એક શાનદાર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 'સેલિબ્રેટિંગ ધ ચૅમ્પિયન્સ' કાર્યક્રમ અંતર્ગત T20 મુંબઈ લીગ ૨૦૨૬ ની વિજેતા ટીમોને સન્માનિત કરવામાં આવી હતી. આ વિશેષ સમારોહમાં પુરૂષ વર્ગની ચેમ્પિયન MSC મરાઠા રૉયલ્સ અને મહિલા વર્ગની વિજેતા SOBO મુંબઈ ફાલ્કન્સના ખેલાડીઓને ટ્રોફી એનાયત કરીને તેમનું ગૌરવ વધારવામાં આવ્યું હતું.
આ ભવ્ય આયોજન દરમિયાન T20 મુંબઈ લીગની નવમી ટીમ તરીકે 'નવી મુંબઈ' ફ્રૅન્ચાઇઝીનું સત્તાવાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઍસ્પેક્ટ સ્પોર્ટ્સ દ્વારા આગામી ૬ વર્ષ માટે નવી મુંબઈ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા માટે ૧૦૬.૮૮ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવીને આ ટીમના અધિકાર હસ્તગત કરવામાં આવ્યા છે, જે લીગના ઇતિહાસમાં એક મોટું સીમાચિહ્ન સાબિત થયું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પદાધિકારીઓ સાથે મળીને વિજેતા ખેલાડીઓનો હોંસલો વધાર્યો હતો. સૂર્યકુમાર યાદવની હાજરીથી યુવા ક્રિકેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે ખેલાડીઓને આગામી ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભૂતકાળમાં પણ મુંબઈ પ્રીમિયર લીગ અને T20 મુંબઈ લીગ દ્વારા અનેક પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવાની તક મળતી રહી છે. હાલમાં આ નવી ટીમના આગમન અને વિજેતાઓના સન્માન બાદ મુંબઈ ક્રિકેટ અસોસિએશન દ્વારા આગામી સિઝનની તૈયારીઓ વધુ જોશથી શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી સ્થાનિક ક્રિકેટરોમાં સ્પર્ધાત્મક માહોલ વધુ મજબૂત બનશે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
