તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
"મુંબઈ હંમેશાં!": રોહિત શર્માએ IPL ની ટીમ બદલવાની તમામ અફવાઓ પર સણસણતો જવાબ આપી પૂર્ણવિરામ મૂક્યું!
‘ફેમિલી ફૂલ હાઉસ’ શોના વાયરલ વિડિયોમાં કેકેઆરના કોચ અભિષેક નાયરે સીએસકે અને કેકેઆરના નારા લગાવી છેડવાનો પ્રયાસ કર્યો: રોહિતના એક જ શબ્દે મુંબઈ ઈન્ડિયન્સના કરોડો ચાહકોના દિલ જીત્યા

મુંબઈ : મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા આગામી IPL સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ છોડીને અન્ય ફ્રેન્ચાઈઝીમાં જોડાશે કે કેમ તે અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અટકળો અને અફવાઓનો અંત આવી ગયો છે. વાયરલ થયેલા ‘ફેમિલી ફૂલ હાઉસ’ શોના નવા પ્રમોશનલ વિડિયોમાં રોહિત શર્માએ પોતાના ભવિષ્ય અંગે દિલ જીતી લે તેવો જવાબ આપીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ રહેશે.
સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ વિડિયોમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના મુખ્ય કોચ અને રોહિતના અંગત મિત્ર અભિષેક નાયર તેની મજાક ઉડાવતા જોવા મળે છે. અભિષેકે રોહિતના આઉટફિટના પીળા રંગ તરફ ઈશારો કરીને "CSK! CSK!" ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જેનો રોહિતે તરત જ હાજરજવાબી આપતા કહ્યું કે, "તમારી આંખો ચેક કરાવો, આ મસ્ટર્ડ રંગ છે. અને મારી ગાડીનો રંગ નારંગી છે, તો શું હવે તમે સનરાઈઝર્સ હૈદરાબાદના બૂમો પાડશો?"
"ગોલ્ડ અને પર્પલ તમને વધુ શોભે છે" - પ્રેક્ષકોએ ગાજવ્યા "મુંબઈ! મુંબઈ!" ના નારા
અભિષેક નાયરે ત્યારબાદ કેકેઆરના રંગો તરફ ઈશારો કરતા કહ્યું કે, "ગોલ્ડ અને પર્પલ કલર તમને વધારે શોભશે." નાયરના આ નિવેદન બાદ તરત જ શોમાં હાજર રહેલા તમામ પ્રેક્ષકોએ એકસૂરે "મુંબઈ! મુંબઈ! મુંબઈ!" ના જોરદાર નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. પ્રેક્ષકોનો આ પ્રેમ જોઈને રોહિત શર્માએ હસતા મુખે માત્ર એક જ શબ્દ કહ્યો - "હંમેશાં!" (Forever!).
રોહિત શર્માના આ એક જ શબ્દના જવાબે સ્પષ્ટ કરી દીધું છે કે તે મુંબઈ ઈન્ડિયન્સ છોડીને ક્યાંય નથી જઈ રહ્યા. સોશિયલ મીડિયા પર રોહિતના આ વીડિયોએ ધમાકો મચાવ્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો આ ઉત્તરથી ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
