<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં બ્રાઝિલની રોમાંચક જીત બાદ નેયમારનો અનોખો અંદાજ : જાપાન સામે જીતની ભવિષ્યવાણી કરનાર અર્થશાસ્ત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો

રાઉન્ડ ઓફ ૩૨ ના મુકાબલામાં બ્રાઝિલે જાપાનને ૨-૧ થી હરાવ્યું : માર્ટીનેલીએ ૯૫મી મિનિટે વિનિંગ ગોલ ફટકાર્યો : કોચ કાર્લો એન્સેલોટીએ સ્ટાર ખેલાડી નેયમારને મેદાન બહાર રાખવા અંગેની રણનીતિનો કર્યો ખુલાસો

 ન્યૂયોર્ક: ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના રાઉન્ડ ઓફ ૩૨ ના એક અત્યંત રોમાંચક મુકાબલામાં જાપાન સામે ૨-૧ થી શાનદાર વાપસી કરીને બ્રાઝિલે જીત મેળવી લીધી છે. આ મેચમાં બ્રાઝિલના સુપરસ્ટાર ફૂટબોલર નેયમારને મેદાન પર રમવાની તક નહોતી મળી, છતાં મેચ પૂરી થયા બાદ તે સોશિયલ મીડિયા પર પોતાની એક રમૂજી પોસ્ટને કારણે ભારે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. નેયમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર જર્મન અર્થશાસ્ત્રી જોઆચિમ ક્લેમેન્ટની આકરી મજાક ઉડાવી છે, જેમણે પોતાના આંકડાકીય મોડેલના આધારે એવી ભવિષ્યવાણી કરી હતી કે જાપાન આ વર્લ્ડ કપમાં બ્રાઝિલને બહાર ફેંકી દેશે.

 

 નેયમારે સોશિયલ મીડિયા પર લીધી ચપટી: કહ્યું, 'આવતા વર્લ્ડ કપમાં ફરી પ્રયાસ કરજો':

મેચમાં બ્રાઝિલની જીત નિશ્ચિત થતાં જ નેયમારે જર્મન અર્થશાસ્ત્રીને ટેગ કરીને પોર્ટુગીઝ ભાષામાં લખ્યું કે, "જોઆચિમ ક્લેમેન્ટ... કૃપા કરીને આગામી વર્લ્ડ કપમાં ફરી પ્રયાસ કરજો." નેયમારની આ ચપટી ભરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે મેચ દરમિયાન નેયમાર સાઇડલાઇન પર વોર્મ-અપ કરતો જોવા મળ્યો હતો, પરંતુ મુખ્ય સમય દરમિયાન તેને મેદાનમાં ઉતારવામાં આવ્યો ન હતો.

 

 કોચ કાર્લો એન્સેલોટીએ નેયમારને ન રમાડવાનું સાચું કારણ જણાવ્યું:

બ્રાઝિલના મુખ્ય કોચ કાર્લો એન્સેલોટીએ મેચ બાદ સત્તાવાર બ્રોડકાસ્ટર સાથેની વાતચીતમાં નેયમારને બેન્ચ પર રાખવાના વ્યૂહાત્મક નિર્ણય પરથી પડદો હટાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે નેયમાર સંપૂર્ણ ફિટ છે અને તેને કોઈ ઈજા થઈ નથી. કોચે જણાવ્યું કે, "મેં નેયમાર સાથે અગાઉથી જ વાત કરી રાખી હતી કે જો મેચમાં આપણે બરાબરી નહીં કરીએ તો તેને ૬૦મી મિનિટે મેદાનમાં ઉતારી દેવામાં આવશે. પરંતુ મેચ ૧-૧ ની બરાબરી પર આવી ગઈ હોવાથી, મેં તેને એક્સ્ટ્રા ટાઈમની ૩૦ મિનિટની સંભવિત રમત માટે બચાવી રાખવાનો નિર્ણય કર્યો હતો."

 

 માર્ટીનેલીનો રોમાંચક ગોલ અને હવે આઇવરી કોસ્ટ કે નોર્વે સામે ટક્કર:

આ હાઈ-વોલ્ટેજ મેચના બીજા હાફમાં બ્રાઝિલે અદભુત વાપસી કરી હતી. મેચની ૯૫મી મિનિટે ગેબ્રિયલ માર્ટીનેલીએ એક અત્યંત રોમાંચક અને નિર્ણાયક ગોલ ફટકારીને બ્રાઝિલને ૨-૧ થી વિજય અપાવ્યો હતો. આ જીત સાથે જ બ્રાઝિલે હાઉસફુલ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના રાઉન્ડ ઓફ ૧૬ માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. હવે આગામી ૫ જુલાઈના રોજ ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે રમાનારા આગામી મુકાબલામાં બ્રાઝિલની ટક્કર આઇવરી કોસ્ટ અથવા નોર્વે સામે થશે.

(3:35 PM IST)