News of Sunday, 8th November 2026
ભારત અને પાકિસ્તાન અંડર-૧૯ એશિયા કપ મુકાબલામાં નો બોલ વિવાદ: યશવર્ધન ચૌહાણના આઉટ થવા પર ચર્ચા
ત્રીજા અમ્પાયરના નિર્ણય પછી યશવર્ધન ચૌહાણને પવેલિયન પરત ફરવું પડ્યું, જ્યારે અસ્પષ્ટ ફૂટેજને કારણે બોલરને મળ્યો શંકાનો લાભ

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા અંડર-૧૯ એશિયા કપના મુકાબલા દરમિયાન એક નો બોલ વિવાદ સામે આવ્યો, જ્યારે ભારતીય બેટ્સમેન યશવર્ધન ચૌહાણના આઉટ થવા પર ચર્ચા શરૂ થઈ ગઈ. ઇનિંગ્સની ૧૧.૪ ઓવરમાં બોલર રિઝવાનુલ્લાહે યશવર્ધન ચૌહાણને આઉટ કર્યા, ત્યારબાદ મામલો થર્ડ અમ્પાયર પાસે મોકલવામાં આવ્યો જેથી એ ચકાસી શકાય કે બોલરે ઓવરસ્ટેપ તો નથી કર્યું.
થર્ડ અમ્પાયરે નો બોલની તપાસ માટે અનેક રિપ્લે જોયા, પરંતુ ફૂટેજ અસ્પષ્ટ હોવાને કારણે સ્પષ્ટ પુરાવા શોધવામાં મુશ્કેલી પડી. અમ્પાયરે મામલાને સમજવા માટે ઝૂમ-ઇન વિઝ્યુઅલ્સની પણ માંગણી કરી, જેથી બોલરના પગની સ્થિતિ જાણી શકાય. આ તમામ પ્રયાસો છતાં એ નક્કી કરવું મુશ્કેલ બન્યું કે જ્યારે બોલરની એડી જમીન પર ટચ થઈ હતી, ત્યારે તે ક્રિઝની પાછળ હતી કે લાઇન ઓળંગી ચૂકી હતી.
ક્રિકેટના નિયમો મુજબ, નો બોલનો નિર્ણય બોલરના પગના જમીન સાથેના પ્રથમ સંપર્ક પર આધાર રાખે છે, ન કે ડિલિવરી પૂરી થયા પછી પગ ક્યાં પહોંચે છે તેના પર. ઉપલબ્ધ વિઝ્યુઅલ્સમાં ભલે એવું લાગતું હોય કે ડિલિવરી પૂરી થતાં સુધીમાં પગ લાઇન પાર કરી ગયો હતો, પરંતુ તે કોઈ નિર્ણયક નિષ્કર્ષ પર પહોંચવા માટે પૂરતું નહોતું. ફૂટેજમાંથી કોઈ સ્પષ્ટ નિયમ ભંગ સાબિત ન થવાને કારણે થર્ડ અમ્પાયરે બોલર રિઝવાનુલ્લાહને શંકાનો લાભ આપ્યો અને યશવર્ધન ચૌહાણના આઉટ હોવાનો નિર્ણય માન્ય રાખ્યો.
મેચની વાત કરીએ તો, ભારતીય ટીમે રવિવારે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે મુશ્કેલ સાબિત થયો. પાકિસ્તાની બોલરોના ઘાતક હુમલા સામે ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા નજરે પડ્યા અને ભારતીય કોલ્ટ્સની ટીમ ૪૬ રનમાં ૪ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
