<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

હવે ‘સ્‍મૃતિ'ના હાથમાં ટીમ ઈન્‍ડિયાની કમાન

સ્‍મૃતિ મંધાના બની નવી કેપ્‍ટન હરમનપ્રીતઃ ખેલાડી તરીકે ટીમ સાથે રહેશે

નવી દિલ્‍હી,તા.૭: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મોટું નેતૃત્‍વ પરિવર્તન આવ્‍યું છે. લાંબા સમયથી ટીમ ઈન્‍ડિયાની કમાન સંભાળનાર હરમનપ્રીત કૌરે ત્રણેય ફોર્મેટની કેપ્‍ટનશિપમાંથી રાજીનામું આપ્‍યા બાદ હવે ભારતીય ટીમની નવી કેપ્‍ટન તરીકે સ્‍ટાર ઓપનર સ્‍મૃતિ મંધાનાની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સ્‍મૃતિને નવી કેપ્‍ટન બનાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

હરમનપ્રીત કૌરે ૨૦૧૬માં ટી-૨૦ ટીમની કેપ્‍ટનશિપ સંભાળી હતી અને ૨૦૨૨માં વન-ડે તથા ટેસ્‍ટ ટીમની પૂર્ણકાલીન કેપ્‍ટન બની હતી. તેમના નેતૃત્‍વમાં ભારતે ૨૦૨૫માં ઘરઆંગણે પ્રથમ વખત મહિલા વન-ડે વર્લ્‍ડકપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્‍યો હતો. તાજેતરમાં જ હરમનપ્રીતની આગેવાનીમાં ભારતે એશિયન ગેમ્‍સમાં સતત બીજી વખત ક્રિકેટમાં ગોલ્‍ડ મેડલ પણ જીત્‍યો હતો.

કેપ્‍ટનશિપ છોડતી વખતે હરમનપ્રીતએ સ્‍પષ્ટ કર્યું છે કે તેમનો ભારતીય ટીમ સાથેનો પ્રવાસ પૂરો થયો નથી. તેઓ ખેલાડી તરીકે ટીમનું પ્રતિનિધિત્‍વ ચાલુ રાખશે અને નવી કેપ્‍ટન સ્‍મૃતિ મંધાનાને સહયોગ આપશે.

હવે ટીમ ઈન્‍ડિયાની કમાન સ્‍મૃતિ મંધાનાના હાથમાં આવી છે. હરમનપ્રીતની ડેપ્‍યુટી તરીકે સ્‍મૃતિ અગાઉ ભારતને ૧૮ ટી-૨૦ અને ૪ વન-ડેમાં કેપ્‍ટન કરી ચૂકી છે. આ ઉપરાંત રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુને મહિલા પ્રીમિયર લીગમાં ૨૦૨૪ અને ૨૦૨૬માં ટાઇટલ અપાવવાનો પણ તેમનો કેપ્‍ટન તરીકેનો અનુભવ છે.

નવી કેપ્‍ટન તરીકે સ્‍મૃતિની પ્રથમ મોટી જવાબદારી ઝિમ્‍બાબ્‍વે સામેની શ્રેણીથી શરૂ થશે. ભારત ૧૬ ઓક્‍ટોબરથી ઝિમ્‍બાબ્‍વે સામે ત્રણ ટી-૨૦ અને ત્રણ વન-ડે મેચની શ્રેણી રમશે. નવી કેપ્‍ટનના નેતૃત્‍વમાં ભારતીય મહિલા ટીમ હવે નવા અધ્‍યાયની શરૂઆત કરશે.

(9:49 AM IST)