News of Tuesday, 21st July 2026
ODI વર્લ્ડ કપ ૨૦૨૭ નું કાઉન્ટડાઉન શરૂ: ૮ ટીમોની એન્ટ્રી કન્ફર્મ, પણ ૨ વખતના ચેમ્પિયન 'વેસ્ટ ઈન્ડિઝ' પર ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાવાનો ખતરો!
દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે સહિત ભારત અને ઓસ્ટ્રેલિયાનું સ્થાન પાક્કું: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ની કટઓફ ડેટ પહેલાં આઈસીસી રેન્કિંગમાં ટૉપ-૮ માં સ્થાન મેળવવા ઘમસાણ

નવી દિલ્હી : આગામી ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૭ નું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવનાર છે. ટૂર્નામેન્ટની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે ત્યારે આઈસીસી (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા જટિલ છતાં રોમાંચક ફોર્મેટ મુજબ અત્યાર સુધીમાં ૮ ટીમોએ સીધા ક્વોલિફિકેશન દ્વારા પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. પરંતુ આ બધા વચ્ચે બે વખતની વિશ્વ વિજેતા ટીમ 'વેસ્ટ ઈન્ડિઝ' પર વર્લ્ડ કપમાંથી બહાર થવાના કાળા વાદળો મંડરાઈ રહ્યા છે.
જ્યાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન દેશ હોવાને નાતે ડાયરેક્ટ એન્ટ્રી મળી ગઈ છે, ત્યાં નામિબિયાએ પૂર્ણ સભ્ય ન હોવાને કારણે ક્વોલિફાયર રાઉન્ડમાંથી પસાર થવું પડશે.
ભારત સહિત ૬ મુખ્ય ટીમો સીધી ક્વોલિફાય
યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ઉપરાંત આઈસીસી રેન્કિંગ આધારે ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ એ પણ વર્લ્ડ કપ ૨૦૨૭ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે બાકીના બે સીધા ક્વોલિફિકેશન સ્પોટ માટે અન્ય ટીમો વચ્ચે આકરી સ્પર્ધા જામશે.
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ બનશે નિર્ણાયક કટઓફ ડેટ
આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ની રેન્કિંગ કટઓફ ડેટ સુધીમાં જે ટીમો રેન્કિંગમાં ઉપર રહેશે તેમને સીધી એન્ટ્રી મળશે. હાલના પ્રદર્શન મુજબ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ અનુક્રમે ૮મા અને ૯મા સ્થાને મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે.
દિગ્ગજ વેસ્ટ ઈન્ડિઝની હાલત કફોડી
૧૯૭૫ અને ૧૯૭૯ માં ક્રિકેટ જગત પર એકચક્રી શાસન કરીને વર્લ્ડ કપ જીતનારી કેરેબિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ હાલમાં આઈસીસી રેન્કિંગમાં ૧૦મા ક્રમે ધકેલાઈ ગઈ છે. જો આગામી મેચોમાં વેસ્ટ ઈન્ડિઝ ચમત્કારિક પ્રદર્શન નહીં કરે, તો તેમને સતત બીજી વખત વન-ડે વર્લ્ડ કપની મુખ્ય ટૂર્નામેન્ટ ગુમાવવાનો વારો આવી શકે છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
