News of Sunday, 12th April 2026
મેદાન પર હંગામો: અમ્પાયર સાથે ટકરાયા દિલ્હીના ખેલાડીઓ
ગ્લોવ્ઝ બદલવાની મંજૂરી ન મળતા ટ્રિસ્ટન સ્ટબ્સનો પિત્તો ગયો, ડ્રેસિંગ રૂમમાં હેલ્મેટ ફેંકી રોષ ઠાલવ્યો: સીએસકે સામેની હાર બાદ મેદાનમાં સર્જાયા હાઈવોલ્ટેજ દ્રશ્યો

ચેન્નાઈ: આઈપીએલ 2026ની 18મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 23 રનથી હરાવીને સિઝનની પ્રથમ જીત તો મેળવી, પરંતુ આ વિજય વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાઈ ગયો છે. મેચની અંતિમ ઓવરોમાં અમ્પાયરના એક નિર્ણયને કારણે મેદાન પર ભારે અંધાધૂંધી વ્યાપી ગઈ હતી. દિલ્હીના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સે પરસેવાથી ભીના થયેલા ગ્લોવ્ઝ બદલવાની માંગ કરી હતી, જેને અમ્પાયરે નકારી કાઢતા મામલો બિચક્યો હતો. દિલ્હીના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે મેદાન પર જ અમ્પાયર સાથે દલીલો શરૂ કરી દીધી હતી, જેના કારણે રમત થોડો સમય ખોરવાઈ ગઈ હતી.
તણાવપૂર્ણ માહોલ વચ્ચે 19મી ઓવરમાં જ્યારે સ્ટબ્સ જેમી ઓવરટનના બોલ પર આઉટ થયો, ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. આઉટ થયા બાદ પેવેલિયન પરત ફરતી વખતે સ્ટબ્સે રસ્તામાં જ પોતાનું બેટ અને ગ્લોવ્ઝ ફેંકી દીધા હતા અને ડ્રેસિંગ રૂમમાં જઈને હેલ્મેટ પછાડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. નીતીશ રાણા સહિતના દિલ્હીના અન્ય ખેલાડીઓએ પણ અમ્પાયર સામે સવાલો ઉઠાવ્યા હતા કે ખેલાડીની સુરક્ષા અને પકડ માટે જરૂરી ગ્લોવ્ઝ બદલવાની મનાઈ કેમ કરવામાં આવી? આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખેલ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
રમતની વાત કરીએ તો, સંજુ સેમસનની 115 રનની આક્રમક સદી અને આયુષ મ્હાત્રેના 59 રનની મદદથી સીએસકેએ 212 રનનો ડુંગર ખડક્યો હતો. જેના જવાબમાં દિલ્હીની ટીમ 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સીએસકે તરફથી જેમી ઓવરટને ઘાતક બોલિંગ કરતા 18 રન આપી 4 વિકેટ ઝડપી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સતત ત્રણ હાર બાદ ચેન્નાઈ માટે આ જીત સંજીવની સમાન સાબિત થઈ છે અને તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે દિલ્હી ચોથા સ્થાને યથાવત છે. જોકે, આ મેચમાં થયેલો વિવાદ આગામી દિવસોમાં શિસ્તભંગના પગલાં તરફ દોરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
