<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

બાબર આઝમની કેપ્ટનશીપમાં પુનરાગમન છતાં પાકિસ્તાનની ફજેતી: વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ટેસ્ટમાં ૯૦ રને ધૂળ ચાટતી કરી; જસ્ટિન ગ્રીવ્સ અને જેડન સીલ્સની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાની ટીમ ૧૨૦ રનમાં ઓલઆઉટ

૨૧૧ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનના ૮ બેટ્સમેનો સિંગલ ડિજિટમાં આઉટ: કેપ્ટન બાબર આઝમની ૫૮ રનની એકલપંડે લડત એળે ગઈ; વેસ્ટ ઇન્ડીઝે બે મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી

નવી દિલ્હી, તા.૨૯: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે. બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાનને ૯૦ રનના વિશાળ માર્જિનથી હરાવીને શ્રેણીમાં ૧-૦ની મજબૂત લીડ મેળવી લીધી છે. પુનઃ કેપ્ટન બનેલા બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમ ચોથી ઇનિંગ્સમાં ૨૧૧ રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી હતી, પરંતુ વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલરોની ધારદાર બોલિંગ સામે આખી ટીમ માત્ર ૧૨૦ રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી.
ચોથી ઇનિંગ્સમાં પાકિસ્તાનની બેટિંગ લાઈનઅપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. કેપ્ટન બાબર આઝમે એક છેડો સાચવી રાખીને ૫૮ રનની એકલપંડે અડધી સદી ફટકારી હતી, જ્યારે મોહમ્મદ રિઝવાને ૧૧ અને મોહમ્મદ અબ્બાસે ૨૩ રન બનાવ્યા હતા. આ ત્રણ ખેલાડીઓ સિવાય પાકિસ્તાનનો એક પણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યો નહોતો અને આઠ બેટ્સમેનો સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી બીજી ઇનિંગ્સમાં જેડન સીલ્સે માત્ર ૨૦ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી, જ્યારે કેમાર રોચ અને જસ્ટિન ગ્રીવ્સે ૨-૨ વિકેટ વિભાજિત કરી હતી.
જસ્ટિન ગ્રીવ્સ બન્યો વિજયનો હીરો:
આ સનસનાટીભર્યા વિજયનો અસલી હીરો ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ રહ્યો હતો, જેણે મેચમાં કુલ ૭ વિકેટ ઝડપીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં પણ ૩ વિકેટે ૧૯૯ રન બનાવી મજબૂત સ્થિતિમાં દેખાતી પાકિસ્તાની ટીમને ગ્રીવ્સે જ પોતાની તોફાની બોલિંગથી ઝાટકો આપીને મોટો સ્કોર કરતા રોકી હતી. અગાઉ વેસ્ટ ઇન્ડીઝ તરફથી પ્રથમ ઇનિંગ્સમાં શાઈ હોપે ૯૨ રન અને કવેમ હોજે ૮૨ રનની શાનદાર રમત રમીને ટીમ માટે જીતનો પાયો નાખ્યો હતો.

(4:29 PM IST)