<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

PCB માં મોટો ધમાકો: "મારા હજારો ડોલર હજુ સુધી ચૂકવ્યા નથી!" - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પૂર્વ કોચ જેસન ગિલેસ્પીના આકરા પ્રહારો!

પાકિસ્તાન ટીમ સાથે કામ કર્યાના બે વર્ષ પછી પણ બાકી નાણાં ન ચૂકવવાનો ગંભીર આક્ષેપ; ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આકિબ જાવેદ અને પીસીબીના ગંદા રાજકારણનો પર્દાફાશ કર્યો.

ઇસ્લામાબાદ, તા. ૦૮: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના આંતરિક રાજકારણ અને નાણાકીય અનિયમિતતાઓ પર ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્ટાર ઝડપી બોલર અને પાકિસ્તાની ટેસ્ટ ટીમના પૂર્વ મુખ્ય કોચ જેસન ગિલેસ્પી (Jason Gillespie) એ મોટો ધમાકો કર્યો છે. રાજીનામું આપ્યાના લગભગ બે વર્ષ બાદ પણ પીસીબીએ તેમના હજારો ડોલર રોકી રાખ્યા હોવાનો સનસનાટીભર્યો દાવો ગિલેસ્પીએ કર્યો છે. એપ્રિલ ૨૦૨૪ માં પાકિસ્તાન ટીમના કોચ તરીકે જોડાયેલા ગિલેસ્પીએ બોર્ડના આંતરિક ડ્રામાથી કંટાળીને ડિસેમ્બર ૨૦૨૪ માં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

 

'ધ ટેલિગ્રાફ' સાથેની ખાસ વાતચીતમાં ગિલેસ્પીએ પીસીબીની કામગીરી પર તીખા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, તેઓ માત્ર પોતાનો પગાર મેળવવા કે ખુરશી બચાવવા માટે ક્યારેય બોર્ડના અધિકારીઓની "હા માં હા" મિલાવનારા વ્યક્તિ બનવા તૈયાર નહોતા. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન ક્રિકેટના સત્ય સામે મૌન રહેવું તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ હતું. શરૂઆતમાં તેમને પાકિસ્તાનની ફાસ્ટ બોલિંગ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા અને બાઉન્સી પિચો તૈયાર કરવાના મોટા વચનો આપીને લાવવામાં આવ્યા હતા, પરંતુ બોર્ડના વહિવટદારોએ તેમની સાથે છેતરપિંડી કરી હતી.

 

ગિલેસ્પીએ ખાસ કરીને આકિબ જાવેદના વધતા જતાં હસ્તક્ષેપ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે જાવેદના પ્રવેશ બાદ કોચ તરીકે તેમની સત્તાઓ ધીમે ધીમે છીનવી લેવામાં આવી હતી, જેના કારણે તેઓ "સંપૂર્ણપણે અપમાનિત" અનુભવતા હતા. ગેરી કિર્સ્ટન અને તેમના જેવા અનુભવી કોચિંગ સ્ટાફને અપમાનિત કરીને બહાર કાઢવામાં આવ્યા હોવા છતાં, આજે પણ પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન માટે પૂર્વ કોચોને જ દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. ગિલેસ્પીના આ ચોંકાવનારા ખુલાસા બાદ વૈશ્વિક ક્રિકેટ જગતમાં પીસીબીની નાણાકીય નીતિઓ અને કૂટનીતિ પર ફરી એકવાર ભારે ફિટકાર વરસી રહ્યો છે.

(4:40 PM IST)