<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

IPLના શેડ્યૂલમાં ધરખમ ફેરફારની તૈયારી: કાળઝાળ ગરમીથી બચવા હવે માર્ચની શરૂઆતમાં જ જામશે ટી-૨૦નો રોમાંચ; જાણો ક્યારે રમાશે ફાઇનલ!

ખેલાડીઓ અને ચાહકોની સુવિધા માટે BCCI નો માસ્ટર પ્લાન, ૧૦ માર્ચથી ૧૫ મે વચ્ચે ટુર્નામેન્ટ સમેટવાનો પ્રસ્તાવ; જોકે મેચોની સંખ્યા વધારવા અંગે સસ્પેન્સનો અંત.

નવી દિલ્હી: તા.૧૮: આઈપીએલ (IPL) પ્રેમીઓ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં મે મહિના દરમિયાન પડતી કાળઝાળ ગરમી અને ચોમાસા પહેલાના વરસાદને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી વર્ષોની આઈપીએલ સીઝન વહેલી શરૂ કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ એક વિશેષ ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, હવે ભવિષ્યમાં આઈપીએલ માટે ૧૦ માર્ચથી ૧૫ મે સુધીની નવી વિન્ડો તૈયાર કરવાનો પ્લાન છે.
ગરમી અને પ્રતિકૂળ હવામાન બન્યા ચિંતાનું કારણ
સામાન્ય રીતે આઈપીએલ માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થઈને મે મહિનાના અંત સુધી ચાલે છે. પરંતુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મે મહિનામાં પારો આસમાને પહોંચી જાય છે. દેવજીત સૈકિયાએ સ્વીકાર્યું કે, "અમને ખેલાડીઓ અને સ્ટેડિયમમાં આવતા ચાહકો તરફથી ગરમીને લઈને ઘણી ફરિયાદો મળી છે. વિદેશી ખેલાડીઓ માટે આવી ભયાનક ગરમીમાં રમવું ખૂબ મુશ્કેલ બને છે. વળી, ૧૫ મે પછી પ્રી-મોન્સૂન વરસાદનો પણ ખતરો રહે છે. આથી જ, વર્ષ ૨૦૨૭ની ૨૦મી આવૃત્તિ (IPL 2027) જે ખૂબ જ ભવ્ય હશે, તેને પ્રતિકૂળ હવામાનથી બચાવવા માટે અમે ટુર્નામેન્ટ બે અઠવાડિયા વહેલી પૂરી કરવા માંગીએ છીએ."
મેચોની સંખ્યા ૭૪ જ રહેશે, કોઈ વધારો નહીં થાય
છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે આઈપીએલમાં મેચોની સંખ્યા ૭૪ થી વધારીને ૯૪ કરવામાં આવી શકે છે, પરંતુ BCCIએ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર અને અન્ય દેશોની દ્વિપક્ષીય શ્રેણીઓને કારણે બે મહિનાથી વધુની વિન્ડો મેળવવી અશક્ય છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોના ખેલાડીઓના હિત અને વૈશ્વિક ક્રિકેટના શિડ્યુલને નુકસાન ન થાય તે માટે હાલ પૂરતી મેચોની સંખ્યા ૭૪ જ રાખવામાં આવશે.
ઘરેલું ક્રિકેટના શેડ્યૂલમાં પણ થશે ફેરફાર
આઈપીએલને ૧૦ માર્ચથી શરૂ કરવા માટે ભારતના પ્રતિષ્ઠિત ઘરેલું ક્રિકેટના સમયપત્રકને પણ થોડું ટૂંકાવવું પડશે. હાલમાં ઈરાની ટ્રોફીથી શરૂ કરીને રણજી ટ્રોફી સુધીનું ઘરેલું સત્ર ૭ થી ૮ મહિના ચાલે છે અને માર્ચના મધ્ય સુધી લંબાય છે. હવે બોર્ડ એવો પ્રયાસ કરશે કે માર્ચના પ્રથમ અઠવાડિયા સુધીમાં તમામ ઘરેલું ટૂર્નામેન્ટ્સ પૂરી થઈ જાય, જેથી ખેલાડીઓ તરત જ આઈપીએલના રંગે રંગાઈ શકે. પશ્ચિમ એશિયાના તણાવપૂર્ણ માહોલ વચ્ચે પણ આ વર્ષની આઈપીએલ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ સૈકિયાએ બોર્ડની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

(4:09 PM IST)