<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

"ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ડેબ્યૂ કરવા સજ્જ રિલે સ્ટાર રાજેશ રમેશ; વધુ એક આંતરરાષ્ટ્રીય મેડલ પર નજર

૨:૫૯:૦૫ નો એશિયન રેકોર્ડ હોલ્ડર અને એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડાલિસ્ટ રાજેશ રમેશ ક્વાર્ટર-માઈલર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે; IIS ના સ્પોર્ટ સાયન્સ અને કઠિન ટ્રેનિંગને આપ્યો સફળતાનો શ્રેય

મુંબઈ, તા.૨૭: ભારતના સ્ટાર એથલીટ અને ૪x૪૦૦ મીટર રિલે ટીમના આધારસ્તંભ ગણાતા રાજેશ રમેશ આગામી ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનું ધમાકેદાર ડેબ્યૂ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. એશિયન ગેમ્સ અને વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય રિલે ટીમને ઐતિહાસિક સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ૨૭ વર્ષીય રાજેશ રમેશ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશ માટે વધુ એક સુવર્ણ પ્રકરણ લખવા માટે આતુર છે.
એશિયન રેકોર્ડ હોલ્ડરથી લઈ કોમનવેલ્થ સપના સુધી
તમિલનાડુના આ ઝડપી દોડવીરે ૨૦૨૨ ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પુરુષોની ૪x૪૦૦ મીટર રિલેમાં ગોલ્ડ અને મિક્સ રિલેમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી ૨૦૨૩ ની એશિયન ચેમ્પિયનશિપમાં મિક્સ રિલેમાં ગોલ્ડ મેળવ્યો હતો. રાજેશ ૨૦૨૩ ની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૨:૫૯:૦૫ નો ઓલ-ટાઇમ એશિયન રેકોર્ડ બનાવનાર ભારતીય ટીમનો મુખ્ય સભ્ય પણ રહ્યો છે. ૪૦૦ મીટરની વ્યક્તિગત રેસમાં ૪૫.૨૬ સેકન્ડના શ્રેષ્ઠ ટાઈમિંગ સાથે તે ભારતના સૌથી ઝડપી સક્રિય ક્વાર્ટર-માઈલર્સમાંનો એક છે.
"કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારું વર્ષો જૂનું સ્વપ્ન હતું. જ્યારે પણ હું ભારતીય જર્સી પહેરું છું ત્યારે તે ક્ષણ ખાસ હોય છે. મારું લક્ષ્ય દબાણ વગર શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટીમને મેડલ અપાવવાનું છે."
— રાજેશ રમેશ, ભારતીય એથલીટ
સફળતા પાછળ ઈન્સ્પાયર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ (IIS) નો સિંહફાળો
પોતાની આ સફળ યાત્રા અંગે વાત કરતા રાજેશે જણાવ્યું કે, ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ (IIS) ના કોચિંગ, પોષણ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને સ્પોટ્સ સાયન્સ સપોર્ટ વગર આ શક્ય નહોતું. તેણે ઉમેર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રિલે ટીમે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમો સાથે સ્પર્ધા કરીને પોતાનો દબદબો સાબિત કર્યો છે અને આ આત્મવિશ્વાસ ગ્લાસગો ખાતે પણ જોવા મળશે.

(5:23 PM IST)