News of Thursday, 26th November 2026
રાઇઝિંગ સ્ટાર એશિયા કપ 2026ની સેમિફાઇનલમાં ભારત A નો 8 વિકેટે પરાજય : શ્રીલંકા ફાઇનલમાં પહોંચ્યું : 29 નવેમ્બરે ખિતાબી જંગ
દોહામાં રમાયેલી મેચમાં ભારત A ના 317 રન સામે શ્રીલંકાએ 41.3 ઓવરમાં 2 વિકેટે 318 રન બનાવી મેળવી જીત : લસિથ ક્રૂસપુલ્લે અને સિનેથ જયવર્ધનેની સદી તથા નિશાન મધુષ્કા અને પવન રત્નાયકેની અણનમ રમત : ભારત તરફથી અભિષેક શર્મા, તિલક વર્મા અને શાહબાઝ અહેમદની અડધી સદી : 27 નવેમ્બરે પાકિસ્તાન A અને બાંગ્લાદેશ A વચ્ચે બીજી સેમિફાઇનલ

દોહા : રાઇઝિંગ સ્ટાર એશિયા કપ 2026ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત Aને શ્રીલંકા સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે અને આ હાર સાથે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ જીત સાથે શ્રીલંકાએ ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે અને હવે 29 નવેમ્બરે ફાઇનલ મેચ રમશે, જ્યાં તેનો મુકાબલો બાંગ્લાદેશ A અથવા પાકિસ્તાન A સામે થશે. ગુરુવારે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારત Aએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 41.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને 318 રન બનાવી મેચ જીતી લીધી હતી.
ભારત Aના કેપ્ટન તિલક વર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ આક્રમક શરૂઆત કરીને 7 ઓવરમાં જ ટીમનો સ્કોર 70ને પાર પહોંચાડી દીધો હતો, પરંતુ 8મી ઓવરના અંતિમ બોલ પર વૈભવ સૂર્યવંશી 40 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક શર્માએ 63 બોલમાં 78 રન અને કેપ્ટન તિલક વર્માએ 66 બોલમાં 53 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. જોકે, મધ્યક્રમમાં કુમાર કુશાગ્રએ 27 બોલમાં 21 રન અને રિંકુ સિંહે 21 બોલમાં માત્ર 12 રન બનાવતા ટીમની રનગતિ ધીમી પડી હતી અને મધ્યના ઓવરમાં મુશ્કેલી ઊભી થઈ હતી.
આ દરમિયાન સૂર્યાંશ શેડગે માત્ર 10 રન અને તનુષ કોટિયન 28 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે હર્ષિત રાણા ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. બીજી તરફ શાહબાઝ અહેમદે એક છેડો સાચવી રાખીને 48 બોલમાં અણનમ 54 રનની ઇનિંગ્સ રમીને પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ટીમનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો હતો. શ્રીલંકા તરફથી બોલિંગમાં રવિંદુ ફર્નાન્ડો, નિપુણ ધનંજય અને જનિથ લિયાનાગેએ પ્રત્યેક 2-2 વિકેટ ઝડપી હતી.
318 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને સलामी જોડી લસિથ ક્રૂસપુલ્લે અને સિનેથ જયવર્ધનેએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ઓપનર્સે પ્રથમ વિકેટ માટે 174 રનની ભાગીદારી નોંધાવી હતી અને માત્ર 21 ઓવરમાં ટીમનો સ્કોર 170ને પાર લઈ ગયા હતા. સિનેથ જયવર્ધનેએ 70 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 105 રન ફટકાર્યા હતા, જ્યારે લસિથ ક્રૂસપુલ્લેએ 107 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 116 રન બનાવ્યા હતા અને હર્ષિત રાણાના બોલ પર આઉટ થયો હતો. બંને બેટર્સની સદીના કારણે ભારતીય બોલર્સ પર દબાણ વધ્યું હતું અને ભારતની જીત મુશ્કેલ બની હતી. ભારત તરફથી શાહબાઝ અહેમદ અને હર્ષિત રાણાને એક-એક વિકેટ મળી હતી. અંતે નિશાન મધુષ્કા 58 રન સાથે અને કેપ્ટન પવન રત્નાયકે 31 રન સાથે અણનમ રહ્યા હતા અને 41.3મી ઓવરમાં જ શ્રીલંકાને વિજય અપાવ્યો હતો. 27 નવેમ્બરે બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન A અને બાંગ્લાદેશ A વચ્ચે મુકાબલો થશે અને તેની વિજેતા ટીમ 29 નવેમ્બરે ફાઇનલમાં શ્રીલંકા A સામે ટકરાશે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
