News of Tuesday, 15th September 2026
સચિન તેંડુલકરનો ૨૨ વર્ષ જૂનો અજેય વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો: ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરે રચ્યો નવો ઇતિહાસ, પણ આંકડા પાછળનું સત્ય કંઈક અલગ જ!
સૌથી લાંબી વન-ડે કારકિર્દીનો વિક્રમ તોડવા છતાં ટેલર કુલ ૯૩ મહિના રહ્યો ક્રિકેટથી દૂર; બેન, ઈજા અને નિવૃત્તિ છતાં આંકડાકીય દ્રષ્ટિએ સચિનને પછાડ્યો

હરારે : ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના સચિન તેંડુલકરનો વર્ષો જૂનો એક અપ્રતિમ અને અશક્ય લાગતો વર્લ્ડ રેકોર્ડ આંકડાની દ્રષ્ટિએ તૂટી ગયો છે. ઝિમ્બાબ્વેના ૪૦ વર્ષીય અનુભવી વિકેટકીપર-બેટ્સમેન બ્રેન્ડન ટેલરે મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે હરારે ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ સચિન તેંડુલકરના નામે નોંધાયેલી સૌથી લાંબી વન-ડે કારકિર્દીના વિશ્વવિક્રમને પાર કરી લીધો છે.
સચિન તેંડુલકરની વન-ડે કારકિર્દી ૨૨ વર્ષ અને ૯૧ દિવસ સુધી ચાલી હતી, જ્યારે બ્રેન્ડન ટેલરની વન-ડે કરિયર હવે ૨૨ વર્ષ અને ૧૪૬ દિવસની થઈ ગઈ છે. ટેલરે પોતાની આંતરરાષ્ટ્રીય વન-ડે કારકિર્દીની શરૂઆત એપ્રિલ ૨૦૦૪માં કરી હતી. જોકે, આ આંકડાકીય રેકોર્ડ તૂટવા છતાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્તુળોમાં સચિનના રેકોર્ડનું મહત્ત્વ આજે પણ અકબંધ મનાય છે, કારણ કે ટેલર આ લાંબી કારકિર્દી દરમિયાન વિવિધ વિવાદો, નિયમોના ભંગ અને ઈજાના કારણે કુલ મળીને ૯૩ મહિના (લગભગ ૭.૫ વર્ષ) સુધી ક્રિકેટથી તદ્દન દૂર રહ્યો હતો.
બ્રેન્ડન ટેલરે ૨૦૧૫માં બોડ સાથેના મતભેદોના કારણે નિવૃત્તિ લઈ ઇંગ્લેન્ડમાં કોલ્પેક ડીલ હેઠળ રમી ૩૩ મહિના ગુમાવ્યા હતા. ત્યારબાદ ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન આઈસીસીના ભ્રષ્ટાચાર-વિરોધી અને ડ્રગ્સ-વિરોધી નિયમોના ભંગ બદલ પ્રતિબંધનો સામનો કરતા ૪૭ મહિના તથા ઈજાના કારણે અન્ય ૧૩ મહિના મેદાનથી બહાર રહેવું પડ્યું હતું. સચિને ૧૯૮૯થી ૨૦૧૨ દરમિયાન સતત રમીને ૪૬૩ વન-ડેમાં વિક્રમજનક ૧૮,૪૨૬ રન બનાવ્યા હતા, જ્યારે ટેલરે ૨૦૭ વન-ડેમાં ૬,૭૦૪ રન બનાવ્યા છે. આથી, માત્ર સમયગાળાની દ્રષ્ટિએ ટેલર આગળ નીકળ્યો હોવા છતાં સચિનનું સતત પ્રદર્શન આજે પણ અજોડ ગણાય છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
