તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ૧૬ સભ્યોની ટીમ જાહેર, અનુભવી જયદેવ ઉનડ્કટ સંભાળશે સુકાનીપદ
આગામી રોમાંચક સ્થાનિક ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને મજબૂત ટીમની જાહેરાત કરી છે, જેમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા પ્રતિભાઓને પણ મોટો અવસર આપવામાં આવ્યો છે.

રાજકોટ : સ્થાનિક ક્રિકેટની સૌથી રોમાંચક ટુર્નામેન્ટ ગણાતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પોતાની ૧૬ સભ્યોની સત્તાવાર ટીમનું એલાન કરી દીધું છે. પસંદગીકારોએ ફરી એકવાર અનુભવી ડાબોડી ઝડપી બોલર જયદેવ ઉનડ્કટ પર ભરોસો વ્યક્ત કરીને તેમને ટીમની કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. જયદેવ ઉનડ્કટ ના કુશળ નેતૃત્વમાં સૌરાષ્ટ્રની ટીમ આ ટ્રોફી જીતવા માટે મેદાને ઉતરશે. અગાઉ સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે, પરંતુ હજુ સુધી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ તેના હાથમાં આવ્યો નથી.
આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું અદભુત મિશ્રણ જોવા મળે છે. વિકેટકીપર તરીકે હરવિક દેસાઈ અને હરવંશ સિંહ પાંગલિયાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે હરવંશ સિંહ પાંગલિયા આ વર્ષે અંડર ૧૯ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો રહ્યા છે. કેપ્ટન જયદેવ ઉનડ્કટ ઉપરાંત ટીમમાં ચેતન સાકરિયા, પ્રેરક માંકડ, પાર્થ ભુટ, ક્રેન્સ ફુલેત્રા, જય ગોહિલ, વિશ્વરાજસિંહ જાડેજા, સમર ગજ્જર, રૂચિત અહીર, સિદ્ધાંત રાણા, યુવરાજ ચુડાસમા, લકીરાજ વાઘેલા, દેવાંગ કરમટા અને અંકુર પવારને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર શેલ્ડન જાકનને કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી યુવા ખેલાડીઓને તેમનો મૂલ્યવાન અનુભવ મળી શકે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમને એલીટ ગ્રૂપ બીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રૂપમાં સૌરાષ્ટ્રની સાથે બિહાર, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રેલવે અને તમિલનાડુ જેવી મજબૂત ટીમો સામેલ છે. સૌરાષ્ટ્રની ટીમ પોતાના તમામ લીગ મુકાબલા ઇન્દોર શહેરમાં રમશે. ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૧૪ નવેમ્બરે બિહાર સામે કરશે. બંને ટીમો વચ્ચે આ રોમાંચક મુકાબલો સવારે ૧૧ વાગ્યે હોલકર સ્ટેડિયમમાં રમાશે.
આગળના મુકાબલાઓની વાત કરીએ તો, સૌરાષ્ટ્રની ટીમ ૧૬ નવેમ્બરે બપોરે ૧:૩૦ વાગ્યે ડેલી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હરિયાણા સામે ટકરાશે. ત્યારબાદ ૧૮ નવેમ્બરે સાંજે ૪:૩૦ વાગ્યે હોલકર સ્ટેડિયમમાં જમ્મુ અને કાશ્મીર સામે મેચ યોજાશે. ૨૨ નવેમ્બરે સવારે ૯ વાગ્યે ડેલી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રેલવે સામે મુકાબલો થશે. લીગ તબક્કાની છેલ્લી બે મેચો હોલકર સ્ટેડિયમમાં જ રમાશે, જેમાં ૨૪ નવેમ્બરે પંજાબ સામે અને ૨૬ નવેમ્બરે સાંજે ૪:૩૦ વાગ્યે તમિલનાડુ સામે સૌરાષ્ટ્રનો મુકાબલો થશે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
