News of Sunday, 8th November 2026
પાકિસ્તાનના ઝડપી બોલર અલી રઝાની ઉંમરને લઈને સોશિયલ મીડિયા પર ઉઠ્યા ગંભીર સવાલો, ચાર વર્ષમાં પાંચમી અંડર 19 ટૂર્નામેન્ટ રમીને વિવાદમાં ઘેરાયા
પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર અલી રઝાએ ચાર વર્ષની અંદર પાંચમી વખત અંડર 19 ટૂર્નામેન્ટ રમીને નવી ચર્ચા જગાવી છે જોકે સત્તાવાર રેકોર્ડ મુજબ તેમની જન્મ તારીખ 18 માર્ચ 2008 દર્શાવવામાં આવી છે.

લાહોર : પાકિસ્તાનના યુવા અને તેજસ્વી ઝડપી બોલર અલી રઝા પોતાની ઉંમરને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થયેલી અટકળો અને ચર્ચાઓના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ ખેલાડીએ માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં પોતાની પાંચમી અંડર 19 ટૂર્નામેન્ટ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમની આ સફરને જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ તેમની ઉંમર અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે અને સવાલો ઉઠાવી રહ્યા છે.
આ વિવાદ ત્યારે વધુ વેગ પકડ્યો જ્યારે તેમણે 2026ના અંડર 19 એશિયા કપમાં ભારત સામે શાનદાર પ્રદર્શન કરતા ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને વીકે વિનીતને આઉટ કર્યા હતા. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના સત્તાવાર રેકોર્ડ અનુસાર અલી રઝાનો જન્મ 18 માર્ચ 2008ના રોજ થયો હતો જેના આધારે તેઓ 18 વર્ષના છે. આ બંને મુખ્ય ક્રિકેટ સંસ્થાઓ પાસે તેમના જન્મ અંગેના દસ્તાવેજો એકસરખા અને સુસંગત છે.
ભલે સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની ઉંમરની છેતરપિંડીનો કેસ નોંધાયો નથી પરંતુ સોશિયલ મીડિયા પર ચાહકો અને ટ્રોલર્સ તેમની ઉંમરને લઈને સતત પ્રશ્નો પૂછી રહ્યા છે. અલી રઝાએ પાકિસ્તાન સુપર લીગ અને પાકિસ્તાનની સિનિયર ડોમેસ્ટીક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેઓ આગામી સમયમાં સિનિયર રાષ્ટ્રીય ટીમ માટે પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પોતાની ઝડપી અને ઘાતક બોલિંગથી તેઓ વિરોધી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકતા આવ્યા છે.
અલી રઝાએ સૌપ્રથમવાર 2024માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ દરમિયાન દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તે ટૂર્નામેન્ટમાં તેમણે માત્ર ત્રણ મેચોમાં નવ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું જ્યાં તેમણે 34 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી અને પાકિસ્તાનને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધું હતું.
તેમના અત્યાર સુધીના યુવા કારકિર્દીમાં પાંચ મોટી અંડર 19 ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે જેમાં 2024નો અંડર 19 વર્લ્ડ કપ, 2024 અને 2025નો અંડર 19 એશિયા કપ, 2026નો અંડર 19 વર્લ્ડ કપ અને વર્તમાન 2026નો અંડર 19 એશિયા કપ સામેલ છે. તેમણે યુવા ક્રિકેટમાં અનેક વખત ભારત સામે પણ શાનદાર મુકાબલા કર્યા છે. વર્ષ 2024ના અંડર 19 એશિયા કપમાં તેમણે વૈભવ સૂર્યવંશીને માત્ર એક જ રન પર આઉટ કર્યો હતો અને પાકિસ્તાને તે રોમાંચક મેચમાં ભારતને 43 રને હરાવ્યું હતું.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
