<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાની અન્ડર-19 ક્રિકેટરો સાથે વિચિત્ર કટુ અનુભવ: શરણાર્થીઓ હોવાની અફવા ફેલાતા મુખવટાધારી લોકોનું ટોળું હૉટેલ બહાર ઘસી આવ્યું!

પોર્ટ્સમાઉથની મૅરિયટ હૉટેલમાં રોકાયેલી ટીમને નિરાશ્રીત સમજીને વિરોધીઓ કરી રહ્યા હતા પ્રદર્શન; પોલીસે સ્થિતિ સંભાળીને ખુલાસો કરતા ટોળું થઈ ગયું રફૂચક્કર

લંડન : ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની મુખ્ય ટેસ્ટ ટીમ ખરાબ પ્રદર્શનના કારણે પહેલેથી જ ચર્ચામાં છે, ત્યારે હવે પાકિસ્તાનની અન્ડર-19 ક્રિકેટ ટીમ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોર્ટ્સમાઉથમાં ઇંગ્લૅન્ડ સામે મેચ રમવા ગયેલા પાકિસ્તાની યુવા ખેલાડીઓ જે હૉટેલમાં રોકાયા હતા, ત્યાં અચાનક ૩૦ થી ૪૦ મુખવટાધારી લોકોનું ઉશ્કેરાયેલું ટોળું એકત્ર થઈ ગયું હતું. આ લોકો હૉટેલમાં રોકાયેલા યુવાનોને શરણાર્થીઓ (નિરાશ્રીતો) સમજીને વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા, જેના કારણે ખેલાડીઓની સલામતી સામે મોટો ખતરો ઊભો થયો હતો.

 

શું હતી હૉટેલ બહારની આખી ઘટના?

 

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાનની અન્ડર-19 ટીમના ખેલાડીઓ પોર્ટ્સમાઉથની પ્રખ્યાત 'મૅરિયટ હૉટેલ'માં ઉતર્યા હતા. સ્થાનિક સ્તરે એવી અફવા વ્યાપી ગઈ હતી કે આ હૉટેલમાં વિદેશી શરણાર્થીઓ આવીને વસ્યા છે જેઓ ઇંગ્લૅન્ડમાં કાયમી સ્થાયી થવાની પેરવીમાં છે. આ અફવા ફેલાતા જ સ્થાનિક શરણાર્થી વિરોધી આંદોલનકારીઓ મોઢા પર માસ્ક (મુખવટા) પહેરીને હૉટેલની બહાર મોટી સંખ્યામાં જમા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

 

પોલીસના હસ્તક્ષેપ બાદ સ્પષ્ટતા અને રાહત

 

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે હૉટેલના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને બહાર એકત્ર થયેલા તોફાની ટોળાને સાચી હકીકતથી વાકેફ કર્યા. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "અહીં રોકાયેલા યુવાનો કોઈ નિરાશ્રીત કે શરણાર્થી નથી, પરંતુ પાકિસ્તાનની અન્ડર-19 ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફના અધિકારીઓ છે." આ સત્ય હકીકત બહાર આવતા જ વિરોધ કરી રહેલું ટોળું માત્ર બે મિનિટમાં શાંતિથી વિખેરાઈ ગયું હતું. આ ઘટના બાદ ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે અને ખેલાડીઓની સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. ખેલના મેદાનની વાત કરીએ તો, પાકિસ્તાની યુવા ટીમ અગાઉ ચાર દિવસીય મેચ હારી ચૂકી છે, પરંતુ તાજેતરની વન-ડે મેચમાં તેમણે શાનદાર વાપસી કરીને ઇંગ્લૅન્ડને ૧૭૭ રને હરાવ્યું હતું.

(7:55 PM IST)