<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

૨૧મી સદીમાં ઇતિહાસ રચવાની ઉંબરે સારાંશ જૈન: ૩૩ વર્ષની ઉંમરે ભારતીય ટેસ્ટ ટીમમાં સરપ્રાઇઝ એન્ટ્રી; જાણો કોણ છે આ ધુરંધર ઓલરાઉન્ડર!

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને મધ્યપ્રદેશના સ્પીનરની પસંદગી: ડેબ્યૂ કરતાં જ સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી ૨૧મી સદીના સૌથી મોટી ઉંમરના ભારતીય ટેસ્ટ ડેબ્યુટન્ટ બનશે

ઈન્દોર, તા.28: ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ કોઈ ખેલાડીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળે છે, ત્યારે તેના વર્ષોના અથાક પરિશ્રમની કહાની સામે આવે છે. આવી જ એક પ્રેરણાદાયી વાર્તા મધ્યપ્રદેશના ૩૩ વર્ષીય ઓલરાઉન્ડર સારાંશ  જૈન ની છે. શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરના સ્થાને સારાંશ  જૈનની ભારતીય ટીમમાં પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે, તો તે ૨૧મી સદીમાં ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનીને એક દુર્લભ સિદ્ધિ પોતાના નામે કરશે.
૧૯૯૮ પછી ૩૩ વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર પ્રથમ ભારતીય બનશે
જો સારાંશ  જૈનને શ્રીલંકા સામેની મેચમાં ટેસ્ટ કેપ મળશે, તો તે ૧૯૯૮માં રોબિન સિંહ બાદ ૩૩ વર્ષની ઉંમર વટાવ્યા પછી ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર પ્રથમ ખેલાડી બનશે. હાલમાં ૨૧મી સદીમાં ભારત માટે સૌથી મોટી ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે છે. સારાંશ  આ રેકોર્ડ તોડીને એક નવો ઇતિહાસ રચવાની નજીક છે. રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ અને સુંદરની ઈજા બાદ ભારતીય ટીમને એક ગુણવત્તાયુક્ત ઓફ-સ્પિનરની જરૂર હતી, જે સારાંશ  પૂરી કરી રહ્યો છે. તે જમણા હાથે ઓફ-સ્પિન બોલિંગ અને ડાબા હાથે મજબૂત બેટિંગ કરવા માટે જાણીતો છે.
રણજી અને દુલીપ ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન
ઇન્દોરમાં જન્મેલા સારાંશ ના પિતા સુબોધ પણ મધ્યપ્રદેશ માટે રણજી રમી ચૂક્યા છે. સરાંશે ૨૦૧૪માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ અનુભવી કોચ ચંદ્રકાંત પંડિતના માર્ગદર્શન હેઠળ તેની કારકિર્દીને નવી દિશા મળી.
•    ૨૦૨૨ માં મધ્યપ્રદેશને પ્રથમ વખત રણજી ટ્રોફી વિજેતા બનાવવામાં તેનો સિંહફાળો હતો.
•    ગત સિઝનમાં તેણે ૭ રણજી મેચોમાં ૫૭.૫૫ ની શાનદાર એવરેજથી ૫૧૮ રન બનાવ્યા હતા અને ૩૦ વિકેટ ઝડપી હતી.
•    દુલીપ ટ્રોફીમાં માત્ર બે મેચમાં બે અડધી સદી અને ૧૬ વિકેટ ઝડપીને તે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બન્યો હતો.
•    તાજેતરમાં ઇન્ડિયા A ના શ્રીલંકા પ્રવાસ દરમિયાન ગાલ ખાતેની મેચમાં તેણે અણનમ ૭૦ રન બનાવવાની સાથે ૬ વિકેટ ઝડપીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.
IPL હરાજીમાં સતત અણનમ, પણ ટેસ્ટ ક્રિકેટમાં સુવર્ણ તક!
સ્થાનિક ક્રિકેટમાં રન અને વિકેટોનો ખડકલો કરવા છતાં, સારાંશ  જૈનને ક્યારેય IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) માં કોઈ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નહોતો. ૨૦૨૪, ૨૦૨૫ અને ૨૦૨૬ ની હરાજીમાં તે અનસોલ્ડ રહ્યો હતો. આમ છતાં, હાર માન્યા વગર તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મહેનત ચાલુ રાખી.
હવે ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનું રમવું લગભગ નક્કી માનવામાં આવે છે, ત્યારે પ્લેઇંગ ઇલેવનમાં બાકી બચેલી જગ્યા માટે સારાંશ  જૈન અને માનવ સુથાર વચ્ચે બરાબરીનો મુકાબલો જામશે.

(4:49 PM IST)