<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ સૂર્યકુમાર યાદવે પુનરાગમન માટે કસી કમર, પત્ની દેવીશાની સલાહથી બદલાયો દ્રષ્ટિકોણ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમથી દૂર વિતાવેલા મુશ્કેલ સમય અંગે SKYનો ચોંકાવનારો ખુલાસો, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈનું કરશે નેતૃત્વ

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ પોતાની ક્રિકેટ સફર અને મુશ્કેલ સમય અંગે ખુલ્લીને વાત કરી છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમથી દૂર રહેવું તેમના માટે અત્યંત આહવાનજનક રહ્યું હતું, પરંતુ હવે તેમણે ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જૂનો જુસ્સો અને પ્રેમ ફરીથી શોધી કાઢ્યો છે. સૂર્યાએ સ્વીકાર્યું હતું કે આ મુશ્કેલ તબક્કામાં તેમની પત્ની દેવીશા શેટ્ટીની સલાહ અને પુત્રીના જન્મે તેમને માનસિક રીતે મજબૂત બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

છેલ્લે ૮ માર્ચ ૨૦૨૬ના રોજ ન્યૂઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં રમનાર સૂર્યકુમાર યાદવે 'T20 મુંબઈ લીગ'ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વર્લ્ડ કપ જીત્યા પછીનો સમય તેમના માટે સરળ નહોતો. જોકે, મે મહિનામાં આઈપીએલ દરમિયાન પુત્રીના જન્મથી તેમને નવો આનંદ મળ્યો હતો અને તેમનું ધ્યાન પરિવાર તેમજ રમતમાં પાછું ફર્યું હતું. આ સિવાય, ૩૬ વર્ષીય સૂર્યાએ જ્યારે પત્ની દેવીશા સાથે ચર્ચા કરી ત્યારે દેવીશાએ તેમને ૧૫ વર્ષની ઉંમરે અંડર-૧૫ મુંબઈ ટીમ માટે રમતી વખતે જે જુસ્સો હતો તે જ માનસિકતા સાથે ફરી મેદાનમાં ઉતરવાની પ્રેરણા આપી હતી.

પોતાની જુની માનસિકતા સાથે સૂર્યાએ ફરી સખત ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને તેમનું મુખ્ય લક્ષ્ય મુંબઈ માટે મેચ જીતીને ટીમને ચેમ્પિયન બનાવવાનું છે. તેમણે મુંબઈના ડ્રેસિંગ રૂમની એક ખાસ યાદગાર ક્ષણ શેર કરતા જણાવ્યું હતું કે સચિન તેંડુલકરે તેમને ડ્રેસિંગ રૂમમાં પોતાનું ખાસ સ્થાન આપ્યું હતું જ્યાં ભગવાન ગણેશની મૂર્તિ હતી. યુવા ખેલાડીઓને સલાહ આપતા સૂર્યાએ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર આઈપીએલ જ નહીં પરંતુ ભારત માટે રમવું એ દરેક ખેલાડીનું મુખ્ય સ્વપ્ન હોવું જોઈએ.

હવે સૂર્યકુમાર યાદવ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં મુંબઈની ટીમનું નેતૃત્વ કરીને ક્રિકેટના મેદાન પર જોરદાર વાપસી કરવા જઈ રહ્યા છે. ૧૧૩ T20I મેચોનો વિશાળ અનુભવ ધરાવતા આ સ્ટાર બેટ્સમેનના ઉત્કૃષ્ટ પ્રદર્શન પર સૌની નજર ટકેલી છે. મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કરીને તે ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરશે તેવી ચાહકો અને પસંદગીકારોને પૂરી આશા છે.

(7:58 PM IST)