<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ટી-ર૦ રેન્‍કીંગમાં ટીમ ઇન્‍ડિયા ફરી નં.૧ ઝિમ્‍બાબ્‍વેનું ઘર આંગણે જ ફીંડલુવળી ગયું: યંગબ્રિગેડે ૩-૦ થી સફાચટ બોલાવી સિરીઝ પર કબજો જમાવ્‍યો

વૈભવ સૂર્યવંશી મેન ઓફ ધ સિરીઝઃ અભિષેક ત્રણેય ટી-ર૦ મેચમાં ત્રણ વિકેટ લેનાર પ્રથમ બોલર

નવી દિલ્‍હીઃ હરારેમાં ઝિમ્‍બાબ્‍વે સામે લગલગાટ ત્રીજી ટી-ર૦ મેચ જીતીને ભારતે બે વર્ષે ટી-ર૦  સિરીઝમાં ક્‍લીન સ્‍વીપ નોંધાવી છેલ્લે ૨૦૨૪માં  બંગ્‍લાદેશ સામે ૩-૦ થી સીરીઝ જીતી હતી ત્‍યારથી  ઝિમ્‍બાબ્‍વે ટૂર પહેલાં ભારત ૭ સિરીઝમાંથી પાંચ સિરીઝમાં જીત્‍યું પણ ક્‍લીન સ્‍વીપ કરી શકયું નહોતું. ઝિમ્‍બાબ્‍વે સામે ભારતે ૨૦૧૦માં પહેલી સિરીઝમાં જ ૨-૦થી ક્‍લીન સ્‍વીપ કરી હતી.

ત્રીજી મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરીને પાંચ વિકેટે ૧૯૨ રન કર્યા હતા. ૧૯૩ રનના ટાર્ગેટ સામે ઝિમ્‍બાબ્‍વે ૭ વિકેટે ૧૫૭ રન કરીને ૩૫ રને હાર્યું હતું. પ્‍લેયર ઑફ ધ મૅચની સાથે પ્‍લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ વૈભવ સૂર્યવંશીને નામે થયો હતો. તેણે આખી સિરીઝની ત્રણ મૅચમાં ૧૫ ફોર અને ૯ સિક્‍સને આધારે ૧૫૧ કર્યા હતા.

ઓપનર વૈભવ સૂર્યવંશી ૮ ફોર અને ૪ સિક્‍સની મદદથી ૪૯ બૉલમાં ૮૧ રન કરીને કૅચ આઉટ થયો હતો. ઈશાન કિશને ૨૬ બૉલમાં ૨૯ રન અને કૅપ્‍ટન શ્રેયસ ઐયરે ૧૮ બૉલમાં ૨૭ રનનું યોગદાન આપ્‍યું હતું. રિન્‍કુ સિંહે ૧૪ બૉલમાં ૨૫ રન કર્યા હતા. ઝિમ્‍બાબ્‍વેના ફાસ્‍ટ બોલર બ્રૅડ ઇવાન્‍સે સૌથી વધુ ૪૧ રન આપીને બે વિકેટ પણ લીધી હતી.

આ સિરીઝમાં બીજી વખત ઇનિંગ્‍સની પહેલા બૉલે વિકેટ લેનાર મયંક યાદવે ૨૯ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. યશ ઠાકુરને બે વિકેટ જ્‍યારે અશોક શર્મા અને રવિ બિશ્‍નોઈને એક-એક વિકેટ મળી હતી.

(3:39 PM IST)