<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: કોહલી-બુમરાહની વાપસી, યશસ્વી જયસ્વાલ પડતો મુકાયો!

અનુભવી ખેલાડીઓના આગમનથી ટીમમાં મોટા ફેરફાર, અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર યશસ્વીને સ્થાન ન મળતા ક્રિકેટ પ્રેમીઓમાં આશ્ચર્ય.

નવી દિલ્હી : BCCI દ્વારા આગામી જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ સામે રમાનારી ત્રણ વનડે મેચોની શ્રેણી માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સ્ટાર બેટર વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે, જ્યારે અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન મળ્યું નથી.

ટીમમાં અક્ષર પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જોકે હાર્દિક પંડ્યા ઈજાના કારણે હજુ બહાર છે. ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઇશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુર્નુર બ્રારનો સમાવેશ કરાયો છે.

અફઘાનિસ્તાન શ્રેણીમાં ડેબ્યૂ કરનાર પ્રિન્સ યાદવ અને ઓલરાઉન્ડર હર્ષ દુબેને આ પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. પેસ આક્રમણની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ સાથે પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, ગુર્નુર બ્રાર અને નીતિશ કુમાર રેડ્ડીને તક આપવામાં આવી છે. ખાસ કરીને હર્ષિત રાણાને તેના અગાઉના પ્રદર્શનના આધારે આ શ્રેણીમાં યથાવત રાખવામાં આવ્યો છે.

હવે ભારતીય ટીમ માટે ઇંગ્લેન્ડની કન્ડિશનમાં આ મજબૂત લાઇનઅપ સાથે શ્રેણી જીતવી એક મોટો પડકાર રહેશે. વર્લ્ડ કપ પહેલાની તૈયારીઓના ભાગરૂપે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મુખ્ય પસંદગીકારોનું ધ્યાન હવે યુવા ખેલાડીઓના પ્રદર્શન અને ટીમની બેલેન્સ પર રહેશે, કારણ કે શ્રેણીના પરિણામો ભવિષ્યના મોટા ટૂર્નામેન્ટ માટે ટીમની દિશા નક્કી કરશે.

(1:57 PM IST)