News of Friday, 1st May 2026
ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો દબદબો: ઇંગ્લેન્ડને પછાડીને ભારત ત્રીજા સ્થાને : પાકિસ્તાને પણ લગાવી છલાંગ
ICCના વાર્ષિક ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર: રોહિત શર્માની સેનાએ ૧૦૪ રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને : ઓસ્ટ્રેલિયા હજુ પણ ટેસ્ટ ક્રિકેટનો ‘કિંગ’, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે યથાવત,

દુબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ૧ મેના રોજ જાહેર કરવામાં આવેલા વાર્ષિક ટેસ્ટ રેન્કિંગ અપડેટે ક્રિકેટ જગતમાં નવી ચર્ચા છેડી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ સમાચાર ખુશી લાવ્યા છે, કારણ કે ટીમે પોતાના રેન્કિંગમાં સુધારો કરીને ટોપ-૩માં વાપસી કરી છે. ટીમ ઇન્ડિયા હવે ૧૦૪ રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ પ્રગતિ સાથે ભારતે કટ્ટર હરીફ ઇંગ્લેન્ડને ચોથા સ્થાને ધકેલી દીધું છે. ઇંગ્લેન્ડની ટીમ, જે છેલ્લા કેટલાક સમયથી ફોર્મ માટે સંઘર્ષ કરી રહી હતી, તે હવે ૧૦૨ રેટિંગ પોઈન્ટ સાથે એક સ્થાન નીચે સરકી ગઈ છે.
રેન્કિંગમાં ટોચના સ્થાનની વાત કરીએ તો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલિસ્ટ ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૩૧ રેટિંગ પોઈન્ટ સાથે અજેય રહીને પ્રથમ સ્થાને બિરાજમાન છે. ઓસ્ટ્રેલિયા પછી દક્ષિણ આફ્રિકાની ટીમ ૧૧૯ રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જે દર્શાવે છે કે ટેસ્ટ ક્રિકેટમાં આફ્રિકન સિંહાનો દબદબો હજુ પણ કાયમ છે. પાંચમા સ્થાને ન્યુઝીલેન્ડ (૧૦૧ પોઈન્ટ) છે, જે ભારત અને ઇંગ્લેન્ડને જોરદાર ટક્કર આપી રહી છે. જોકે, ભારતે જે રીતે ઇંગ્લેન્ડને પાછળ છોડ્યું છે, તે આગામી સિઝન માટે ટીમનો આત્મવિશ્વાસ વધારનારું સાબિત થશે.
બીજી તરફ, એશિયાઈ પાડોશી દેશ પાકિસ્તાને પણ ટેસ્ટ રેન્કિંગમાં સુધારો નોંધાવ્યો છે. પાકિસ્તાન હવે એક સ્થાન ઉપર ચઢીને ૮૯ રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયું છે, જ્યારે શ્રીલંકા (૮૬ પોઈન્ટ) સાતમા સ્થાને ફેંકાયું છે. રેન્કિંગમાં નીચેના ક્રમે વેસ્ટ ઈન્ડિઝ આઠમા, બાંગ્લાદેશ નવમા અને આયર્લેન્ડ ૨૫ પોઈન્ટ સાથે દસમા સ્થાને છે. આ વાર્ષિક અપડેટ સ્પષ્ટ કરે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો અત્યારે ટેસ્ટ ફોર્મેટમાં વિશ્વસ્તરે રાજ કરી રહી છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
