તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
કાર્ડિફ વનડેમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો : ઇંગ્લેન્ડ સામે બીજા વનડેમાં ૪ વિકેટે પરાજય સાથે ત્રણ મેચોની સિરીઝ ૧-૧ થી બરાબર થઈ
વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની અડધી સદી એળે ગઈ : બોલિંગમાં જોફ્રા આર્ચર અને એટકિન્સનની તરખાટ સામે ભારત ૨૩૩ રનમાં ઓલઆઉટ : જો રૂટે ૯૯ રનની અણનમ ઇનિંગ રમી ઇંગ્લેન્ડને જીતાડ્યું

કાર્ડિફ: કાર્ડિફ ખાતે રમાયેલી રોમાંચક બીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે જોરદાર પલટવાર કરીને ભારતને ૪ વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે ત્રણ મેચોની વનડે સિરીઝમાં ૧-૧ થી બરાબરી કરી લીધી છે અને હવે સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાશે. ભારતીય ટીમે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની શાનદાર અડધી સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા ૪૪ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૨૩૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડે જો રૂટની ૯૯ રનની અણનમ અને ધૈર્યપૂર્ણ ઇનિંગની મદદથી ૪૪.૧ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૨૩૫ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. જો રૂટને પોતાની સદી પૂરી કરવા માટે માત્ર એક રનની જરૂર હતી, પરંતુ તેમણે ગસ એટકિન્સનને મેચ ફિનિશ કરવાની તક આપીને ટીમ પ્રત્યેની રમતની ભાવના દર્શાવી હતી.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમની શરૂઆત મધ્યમ રહી હતી અને ટીમનો પ્રથમ ઝટકો ૮મી ઓવરમાં લાગ્યો હતો જ્યારે સુકાની શુભમન ભાઈ ગીલ ૩૦ બોલમાં ૩૧ રન બનાવીને ગસ એટકિન્સનનો શિકાર બન્યા હતા. ઓપનર રોહિત ભાઈ શર્મા ૪૭ બોલમાં માત્ર ૨૬ રન બનાવી શક્યા હતા, જ્યારે ઇશાન કિશનને સેમ કરને પેવેલિયન ભેગા કર્યા હતા. આ મુશ્કેલ પરિસ્થિતિમાં વિરાટ કોહલીએ ૬૬ બોલમાં ૬૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તેમણે રોહિત ભાઈ તથા શ્રેયસ અય્યર સાથે અડધી સદીની ભાગીદારી નોંધાવી ટીમને સધ્ધર સ્થિતિમાં લાવી હતી. જો કે, અન્ય બેટ્સમેનો સસ્તામાં આઉટ થતાં ભારતીય ઇનિંગ વેરવિખેર થઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદર ૫ બોલમાં ૨ રન, અક્ષર ભાઈ પટેલ ૧ રન અને શિવમ દુબે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. ગુરનૂર બરારે ૧૫ બોલમાં ૭ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે ઘાતક બોલિંગ કરતા ૪૭ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ગસ એટકિન્સને પણ ૩ વિકેટ, સાકિબ મહમૂદે ૨ વિકેટ તેમજ સેમ કરન અને વિલ જેક્સને એક-એક વિકેટ મળી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ બોલ પર જ બેન ડકેટની વિકેટ ગુમાવી દીધી હતી, જેમને જસપ્રિત બુમરાહે આઉટ કર્યા હતા. ત્યારબાદ પ્રસીધ ક્રિષ્ણાએ જેકબ બેથલને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. કેપ્ટન હેરી બ્રુક ૧૬ બોલમાં ૧૬ રન અને જોસ બટલર ૧૮ બોલમાં ૧૭ રન બનાવી આઉટ થયા હતા. વિલ જેક્સ ૪૪ બોલમાં ૩૦ રન બનાવીને ગુરનૂર બરારનો શિકાર બન્યા હતા. જો કે, વનડાઉન બેટિંગમાં આવેલા અનુભવી બેટ્સમેન જો રૂટે એક છેડો સાચવી રાખ્યો હતો અને ૧૩૩ બોલમાં ૯ ચોગ્ગાની મદદથી ૯૯ રનની અણનમ ઇનિંગ રમીને ટીમને વિજયના દ્વાર સુધી પહોંચાડી હતી.
આ રોમાંચક મેચ માટે બંને ટીમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમમાં જોશ ટંગ અને લિયામ ડાસનની જગ્યાએ સાકિબ મહમૂદ અને ગસ એટકિન્સનને સામેલ કરાયા હતા. બીજી તરફ, ભારતીય ટીમમાં કે.એલ. રાહુલના સ્થાને વિકેટકીપર બેટ્સમેન તરીકે ઇશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અગાઉ રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને ૬ વિકેટે હરાવ્યું હતું અને સિરીઝમાં ૧-૦ ની સરસાઈ મેળવી હતી, પરંતુ બીજા વનડેમાં પરાજય બાદ હવે લોર્ડ્સ ખાતે રમાનારી આગામી ફાઈનલ મેચ અત્યંત રસપ્રદ બની રહેશે.
(3:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
