તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
ઇંગ્લેન્ડ સામે પરાજય બાદ મેદાન પર જ ભાંગી પડ્યો બિહારનો આ વંડર કિડ, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક
*વૈભવ સૂર્યવંશીની આંખોમાંથી વહ્યા આસું: માત્ર 15 વર્ષની ઉંમરે દેશ માટે રમતા ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યો યુવા ઓપનર

નવી દિલ્હી : ક્રિકેટના મેદાન પર જીત અને હાર તો રમતનો એક હિસ્સો છે, પરંતુ જ્યારે કોઈ ખેલાડી દેશની જર્સી પહેરીને મેદાન પર ઉતરે છે ત્યારે તેની સાથે કરોડો ભારતીયોની આશાઓ અને તેની પોતાની વર્ષોની મહેનત જોડાયેલી હોય છે. આવું જ કંઈક ભારતની ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જોવા મળ્યું, જ્યાં ભારતીય ટીમની હાર બાદ એક યુવા ખેલાડી પોતાના આંસુ રોકી શક્યો નહીં.
ભાવુક થયો 15 વર્ષનો વૈભવ
ઇંગ્લેન્ડ સામેની મેચમાં મળેલી કારમી હાર બાદ ભારતનો માત્ર 15 વર્ષનો યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી મેદાન પર જ રડી પડ્યો હતો. નાની ઉંમરે દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા આ બિહારના લાલ માટે હારનો આઘાત સહન કરવો મુશ્કેલ બન્યો હતો. ડગઆઉટમાં બેસીને તેની આંખોમાંથી વહી રહેલા આંસુ તેની રમત પ્રત્યેની દીવાનગી અને જીતવાની તીવ્ર ઈચ્છા દર્શાવતા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
વૈભવ સૂર્યવંશીનો આ ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અને ક્રિકેટ પ્રેમીઓ પણ ભાવુક થઈ ગયા છે. ફેન્સ આ વીડિયો પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે અને વૈભવને હિમ્મત આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, "આ ઉંમરે રમત પ્રત્યે આવો જુસ્સો જ તેને ભવિષ્યનો મોટો સ્ટાર બનાવશે. હારથી નિરાશ થવાની જરૂર નથી, હજુ લાંબી સફર બાકી છે."
ઉલ્લેખનીય છે કે વૈભવ સૂર્યવંશીએ ખૂબ જ નાની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરીને અને અંડર-19 ટીમમાં સ્થાન મેળવીને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે, અને તેની આ રમત પ્રત્યેની ગંભીરતા ચાહકોના દિલ જીતી રહી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
