News of Wednesday, 18th November 2026
સૌરાષ્ટ્રના ગૌરવ સમા જયદેવ ઉનડકટનો આજે જન્મ દિવસ : ૩૬માં વર્ષમાં પ્રવેશ
અંડર-૧૯ વર્લ્ડ કપથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી સૌરાષ્ટ્રને બે વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવ્યું

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મેલા અને સૌરાષ્ટ્ર ક્રિકેટને રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ અપાવનાર ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટ આજે પોતાની મહેનત, સંઘર્ષ અને શાનદાર પ્રદર્શનને કારણે ક્રિકેટ જગતમાં જાણીતું નામ બન્યા છે. ડાબોડી ઝડપી બોલર તરીકે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે , લાંબા અંતરાલ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થી લઈને પોતાની કેપ્ટન શિપ હેઠળ સૌરાષ્ટ્રને બે વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવવાની તેમની સફર પ્રેરણાદાયી રહી છે, આજે તેમનો જન્મદિવસ છે. જયદેવ દીપકભાઈ ઉનડકટનો જન્મ ૧૮ ઓક્ટોબર, ૧૯૯૧ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. જમણા હાથે બેટિંગ અને ડાબા હાથે ફાસ્ટ-મિડિયમ બોલિંગ કરતા જયદેવ મુખ્યત્વે ઝડપી બોલર તરીકે ઓળખાય છે. બાળપણથી જ તેમને ક્રિકેટ પ્રત્યે વિશેષ લગાવ હતો. પોરબંદરમાં ક્રિકેટની તાલીમ મેળવી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના કોચ રામ ઓડેદરાએ શરૂઆતના તબક્કામાં જ તેમની પ્રતિભાને ઓળખી હતી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
વર્ષ ૨૦૧૦માં જયદેવ ઉનડકટને ભારતની અંડર-૧૯ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું હતું. વર્ષ ૨૦૧૦માં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાવાની તક પણ મળી હતી. તેમણે દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયન ખાતે ટેસ્ટ ક્રિકેટમાં ૨૪ અને ઝિમ્બાબ્વે સામે વનડે ક્રિકેટમાં અને ઝિમ્બાબ્વે સામે જ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
તેમની કેપ્ટન શિપ હેઠળ સૌરાષ્ટ્રની ટીમે બે વખત પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી નું ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. જયારે આઈપીએલમાં પોતાની બોલિંગ પ્રતિભાના આધારે આગવી ઓળખ ઊભી કરી છે. તેમની આઈપીએલ કારકિર્દી દરમિયાન તેમણે કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી ડેરડેવિલ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ, રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી જાણીતી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં પણ પોતાની પ્રતિભા દેખાડી ચુકયા છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
