News of Thursday, 30th July 2026
FIH હોકી વર્લ્ડ કપ ૨૦૨૬ પૂર્વે ભારતીય ટીમની પરંપરાગત ઓળખ સમાન બ્લુ જર્સી બદલીને મુખ્ય કીટ ભગવા રંગની કરવાના હોકી ઈન્ડિયાના નિર્ણય સામે રમત જગતમાં ભારે વિવાદ અને આક્રોશ
‘વાદળી રંગ એ આપણો ઐતિહાસિક વારસો અને બ્રાન્ડ છે, કેસરિયા રંગ પાછળનો તર્ક શું?’ પૂર્વ ઓલિમ્પિયન અને કેપ્ટન વિરેન રાસકિન્હાએ ફેડરેશનના નિર્ણયને ‘શરમજનક’ ગણાવ્યો; બીજી તરફ હોકી ઈન્ડિયાએ આ નૂતન ફેરફારને રાષ્ટ્રધ્વજના તિરંગા, શૌર્ય અને વિજયનું પ્રતીક ગણાવીને પોતાનો બચાવ કર્યો

નવી દિલ્હી, ૩૦ જુલાઈ: આગામી મહિને નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ ખાતે યોજાનારા પ્રતિષ્ઠિત એફઆઈઆઈચ (FIH) હોકી વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત થાય તે પૂર્વે જ ભારતીય હોકીમાં જર્સીના રંગ બદલવા મુદ્દે એક નવો અને મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. દાયકાઓથી વૈશ્વિક પટલ પર ભારતીય હોકી ટીમની સત્તાવાર ઓળખ ગણાતી પરંપરાગત ‘સ્કાય બ્લુ’ (વાદળી) જર્સીને સ્થાને હવે ભારતીય પુરુષ અને મહિલા ટીમો મુખ્યત્વે ભગવા (કેસરિયા) રંગના ગણવેશમાં મેદાન પર ઉતરશે. હોકી ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર રીતે આ નવી કીટ લોન્ચ કરવામાં આવ્યા બાદ ખેલાડીઓ, પૂર્વ રમતવીરો અને ચાહકોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
ભૂતપૂર્વ કેપ્ટને ફેડરેશનના નિર્ણય સામે શરમના ચોગ્ગા ફટકાર્યા
ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને જાણીતા ઓલિમ્પિયન વિરેન રાસકિન્હાએ હોકી ઈન્ડિયાના આ પગલાની આકરા શબ્દોમાં આલોચના કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોતાની નારાજગી અને આશ્ચર્ય વ્યક્ત કરતા રાસકિન્હાએ લખ્યું હતું કે, “મારે સ્વીકારવું પડશે કે હોકી ઈન્ડિયાએ રમત અને ખેલાડીઓના હિત માટે ભૂતકાળમાં ઘણા સારા કાર્યો કર્યા છે, પરંતુ ગણવેશ બદલવાનો આ નિર્ણય અત્યંત શરમજનક છે. ભારતીય હોકીનો ભવ્ય વારસો, ગૌરવ અને વિશિષ્ટ ઓળખ હંમેશા વાદળી રંગ જ રહ્યો છે. મેં પોતે પણ વર્ષો સુધી અત્યંત ગર્વ સાથે આ બ્લુ જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. કરોડો ચાહકો પણ આપણી ટીમને માત્ર વાદળી રંગમાં જ જોવા ઈચ્છે છે, ત્યારે મુખ્ય ગણવેશ તરીકે ભગવા કે ઓરેન્જ રંગનો ઉપયોગ કરવા પાછળનો તર્ક શું છે તે સમજાતું નથી.”
અર્જેન્ટીના ફૂટબોલ ટીમનું ઉદાહરણ આપી ઉઠાવ્યા ગંભીર સવાલો
રાસકિન્હાએ આ વિવાદમાં કોઈ પણ રાજકીય રંગ ન આપવાની સ્પષ્ટતા કરતા ઉમેર્યું હતું કે, “આ બાબતમાં સોશિયલ મીડિયા પર અનેક બિનજરૂરી રાજકીય ટિપ્પણીઓ થઈ રહી છે, જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. મારો મુદ્દો સંપૂર્ણપણે રમત પ્રત્યેના ગૌરવ, ઓળખ અને પરંપરા સાથે જોડાયેલો છે. ભારતીય રમત જગતમાં હોકીનું સ્થાન એટલું જ સર્વોચ્ચ છે જેટલું ફૂટબોલમાં અર્જેન્ટીનાનું છે. શું આપણે ક્યારેય કલ્પના પણ કરી શકીએ ખરા કે અર્જેન્ટીનાની ટીમ પોતાની પરંપરાગત આકાશી વાદળી અને સફેદ પટ્ટાવાળી હોમ જર્સી બદલીને નારંગી અને સફેદ રંગની કીટ પહેરીને મેદાનમાં ઉતરે? ક્યારેય નહીં.”
હોકી ઈન્ડિયાએ દેશભક્તિ અને તિરંગાનો હવાલો આપી બચાવ કર્યો
બીજી તરફ આ વ્યાપક વિરોધ વચ્ચે નેશનલ ફેડરેશન એટલે કે હોકી ઈન્ડિયાએ પોતાના સત્તાવાર નિવેદનમાં આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ગણવેશની નવી ડિઝાઈન જાહેર કરતા એસોસિએશને જણાવ્યું હતું કે, આ નવી કીટમાં કેસરિયા રંગનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે જે સાહસ, ત્યાગ અને વિજયનું પ્રતીક છે. આ ડિઝાઈન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગા અને ઉગતા સૂર્યથી પ્રેરિત છે, જે ભારતીય હોકીની નવી સવાર અને નવી શરૂઆત દર્શાવે છે. આ જર્સીમાં મંડલા આર્ટવર્કથી પ્રેરિત ડિઝાઈન, તિરંગાની ઝલક અને બોર્ડર પર હળવો વાદળી રંગ રાખવામાં આવ્યો છે. હોકી ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ ફેરફાર પાછળ કોઈ રાજકીય એજન્ડા નથી. કેસરિયો રંગ આપણા રાષ્ટ્રધ્વજનો મુખ્ય હિસ્સો છે અને તેને દેશના ગૌરવ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
નેધરલેન્ડ્સની યજમાની વચ્ચે ભારતની વૈશ્વિક ‘ઓપ્ટિક્સ’ પ્રભાવિત થવાની ભીતિ
રમતગમતના વિશ્લેષકોના મતે, આ ફેરફારની ટાઈમિંગ અને લોકેશનને કારણે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નકારાત્મક અસરો પડી શકે છે. આગામી હોકી વર્લ્ડ કપ ૧૪ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં સંયુક્ત રીતે યોજાવા જઈ રહ્યો છે. વૈશ્વિક રમત જગતમાં નેધરલેન્ડ્સ (ડચ) દેશનો ઓફિશિયલ અને સત્તાવાર રંગ નારંગી (ઓરેન્જ) છે. જ્યારે ભારતીય ટીમ નેધરલેન્ડ્સની ધરતી પર તેમની જ ધરતીના સત્તાવાર રંગ જેવી જર્સી પહેરીને રમશે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની એક અનોખી દેખાતી સ્પોર્ટ્સ બ્રાન્ડ ઝાંખી પડી જશે અને મેદાન પર બંને ટીમો વચ્ચે વિશિષ્ટ તફાવત દર્શાવવાનું મુશ્કેલ બનશે.
ભૂતકાળમાં ક્રિકેટ વર્લ્ડ કપ વખતે પણ ગણવેશ અંગે વિવાદ ઉઠ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સ્પોર્ટ્સ ટીમની જર્સીના રંગ બદલવા અંગેનો આ કોઈ પ્રથમ વિવાદ નથી. આ અગાઉ વર્ષ ૨૦૨૩માં યોજાયેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમ ભગવા રંગની જર્સી પહેરશે તેવી અફવાઓ ઉડી હતી અને ભારે વિવાદ થયો હતો. જો કે, તે સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ત્વરિત ખુલાસો કરીને તમામ અટકળો ફગાવી દીધી હતી અને ભારતીય ટીમ પોતાની હસ્તાક્ષર સમાન વાદળી કીટમાં જ રમી હતી. પરંતુ હોકીના કિસ્સામાં માત્ર અફવા નથી, પરંતુ સત્તાવાર જાહેરાત થઈ ચૂકી હોવાથી રમતપ્રેમીઓ અને પૂર્વ દિગ્ગજોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
વર્લ્ડ કપમાં ભારતનો રોડમેપ
આગામી ૨૦૨૬ના વર્લ્ડ કપમાં પ્રથમ વખત પુરુષ અને મહિલા બંને ટુર્નામેન્ટ્સ એકસાથે રમાશે. ભારતીય પુરુષ હોકી ટીમને ગ્રુપ-ડીમાં સ્થાન મળ્યું છે, જ્યાં તેનો સામનો વેલ્સ, ઈંગ્લેન્ડ અને કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે થશે. જ્યારે ભારતીય મહિલા હોકી ટીમ પણ ગ્રુપ-ડીમાં સ્થાન મેળવીને ચીન, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતે ઇતિહાસમાં માત્ર એક જ વાર ૧૯૭૫માં પુરુષ હોકી વર્લ્ડ કપ જીત્યો છે, જ્યારે મહિલા ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૯૭૪માં ચોથા સ્થાને રહ્યું હતું. ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી હોકી રમત હવે નવા ભગવા રંગમાં કેવું પ્રદર્શન કરે છે અને આ વિવાદ આગામી દિવસોમાં શું નવો વળાંક લે છે તેના પર સમગ્ર રમત જગતની નજર મંડાયેલી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
