તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 7th May 2026
બીસીસીઆઈ દ્વારા ભારતીય મહિલા, ઇન્ડિયા-એ અને અંડર-૧૯ ટીમો માટે આગામી ઘરેલુ ક્રિકેટ સિઝનના કાર્યક્રમની જાહેરાત
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સહિતની ટીમો ભારત આવશે : રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેનડ સામે મેચો રમાશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે વર્ષ ૨૦૨૬ માટે વિવિધ દ્વિપક્ષીય (બાયલેટરલ) શ્રેણીના સ્થળો અને તારીખો જાહેર કરી છે, જેમાં સિનિયર મહિલા, ઇન્ડિયા એ અને અંડર-૧૯ ટીમોની મેચો રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આગામી ઘરેલુ સિઝન માટે સિનિયર મહિલા, ઇન્ડિયા એ પુરુષ અને મહિલા, તેમજ ઇન્ડિયા અંડર-૧૯ પુરુષ અને મહિલા ટીમોની દ્વિપક્ષીય શ્રેણીના કાર્યક્રમ અને સ્થળોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં મલ્ટી ફોર્મેટની મેચોનો સમાવેશ થાય છે. ભારત આગામી સિઝનમાં ઓસ્ટ્રેલિયા-એ, ઇંગ્લેન્ડ-એ મહિલા, ઝિમ્બાબ્વે મહિલા, ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ પુરુષ, ઇંગ્લેન્ડ અંડર-૧૯ મહિલા અને શ્રીલંકા મહિલા અંડર-૧૯ ટીમોની યજમાની કરશે.
સિનિયર મહિલા ટીમનો કાર્યક્રમ :
ભારતીય મહિલા ટીમ ઓક્ટોબર ૨૦૨૬ માં ઝિમ્બાબ્વે સામે ત્રણ ટી-૨૦ અને ત્રણ એકદિવસીય મેચ રમશે. રાયપુર ખાતે ૧૬ ઓક્ટોબર, ૧૮ ઓક્ટોબર અને ૨૦ ઓક્ટોબરના રોજ સાંજે ૭ વાગ્યે ટી-૨૦ મેચો રમાશે. ત્યારબાદ વડોદરા ખાતે ૨૩ ઓક્ટોબર, ૨૫ ઓક્ટોબર અને ૨૮ ઓક્ટોબરના રોજ બપોરે ૨ વાગ્યે એકદિવસીય મેચો રમાશે.
પુરુષોની એ ટીમનો કાર્યક્રમઃ
ઇન્ડિયા એ પુરુષ ટીમ ઓસ્ટ્રેલિયા એ સામે મલ્ટી-ડે અને એકદિવસીય શ્રેણી રમશે. આ તમામ મેચો પુડુચેરી ખાતે સવારે ૯:૩૦ વાગ્યે શરૂ થશે. પ્રથમ મલ્ટી-ડે મેચ ૨૨ થી ૨૫ સપ્ટેમ્બર અને બીજી મલ્ટી-ડે મેચ ૨૯ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન રમાશે. ત્યારબાદ ૬, ૯ અને ૧૧ ઓક્ટોબરના રોજ વન-ડે મેચો રમાશે.
પુરુષોની અંડર-૧૯ ટીમનો કાર્યક્રમઃ
આ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ સામે મેચો રમાશે.
રાજકોટમાં ૧૮, ૨૧ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ એકદિવસીય મેચો રમાશે. પ્રથમ મલ્ટી-ડે મેચ ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટમાં અને બીજી મલ્ટી-ડે મેચ ૫ થી ૮ ઓક્ટોબર દરમિયાન અમદાવાદના બી ગ્રાઉન્ડ ખાતે રમાશે.
મહિલા એ ટીમનો કાર્યક્રમઃ
ભારતની મહિલા એ ટીમ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા એ મહિલા ટીમ સામે મોહાલી અને ધર્મશાલામાં રમશે. મોહાલીમાં ૧૨, ૧૫ અને ૧૭ સપ્ટેમ્બરે સાંજે ૬ વાગ્યે ટી-૨૦ મેચ રમાશે. ધર્મશાલા ખાતે ૨૦ સપ્ટેમ્બરે બપોરે ૨:૦૦ વાગ્યે, ૨૩ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યે અને ૨૫ સપ્ટેમ્બરે બપોરે ૨ વાગ્યે એકદિવસીય મેચ રમાશે. ત્યારબાદ ૨૯ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન સવારે ૯:૩૦ વાગ્યે ધર્મશાલામાં જ મલ્ટી-ડે મેચ રમાશે.
આ ઉપરાંત ઇંગ્લેન્ડ-એ મહિલા ટીમ સામે ૩૦ નવેમ્બરે બપોરે ૧ વાગ્યે તથા ૩ અને ૫ ડિસેમ્બરે સાંજે ૬ વાગ્યે પુણેમાં ટી-૨૦ મેચ રમાશે. નવી મુંબઈમાં ૮ ડિસેમ્બરે સવારે ૯ વાગ્યે, જ્યારે ૧૧ અને ૧૪ ડિસેમ્બરે બપોરે ૨ વાગ્યે એકદિવસીય મેચ રમાશે. નવી મુંબઈમાં જ ૧૯ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન સવારે ૯:૩૦ વાગ્યે બહુ-દિવસીય મેચ યોજાશે.
મહિલા અંડર-૧૯ ટીમનો કાર્યક્રમઃ
શ્રીલંકા સામે ૨૨, ૨૪ અને ૨૭ જૂને ચેન્નાઈ ખાતે બપોરે ૧ વાગ્યે ટી-૨૦ મેચ રમાશે. ત્યારબાદ પુડુચેરીમાં ૩૦ જૂન અને ૩ જુલાઈએ સવારે ૯ વાગ્યે તથા ૬ જુલાઈએ બપોરે ૨ વાગ્યે એકદિવસીય મેચો રમાશે.
ઇંગ્લેન્ડ સામે ૨૬ નવેમ્બરે સાંજે ૬ વાગ્યે અને ૨૮ નવેમ્બરે બપોરે ૧ વાગ્યે વડોદરા ખાતે ટી-૨૦ મેચ રમાશે. સુરત ખાતે ૧ અને ૩ ડિસેમ્બરે સાંજે ૬ વાગ્યે અને ૬ ડિસેમ્બરે બપોરે ૧ વાગ્યે બાકીની ટી-૨૦ મેચો રમાશે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
